• અરબી સમુદ્રમાંથી આવતા ચક્રવાતી પવનોના કારણે વરસાદની સિસ્ટમ વિખેરાઇ: ભારે પવન ફૂંકાવવાની શક્યતાને આધારે બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું, દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઇ શકે છે
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 39 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ ડાંગ જિલ્લામાં બે ઇંચ વરસાદ

રાજ્યભરમાં હજુ સાર્વત્રિક વરસાદનો પોકાર ખેડૂતો કરી રહ્યા છે ત્યારે વરૂણદેવ તો વ્હાલ વરસાવવા જાણે આતુર જ છે પરંતુ પવન દેવતા વરસાદ વચ્ચે ક્યાંકને ક્યાંક પડકાર બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમાં ક્યાકને ક્યાક અરબી સમુદ્ર તરફથી આવતા પવનો વિઘ્ન બન્યા છે. ચક્રવાતી પવનને કારણે વરસાદની સિસ્ટમ જાણે વિખેરાઇ ગઇ હોય તેમ હાલ રાજ્યભરમાં વરસાદની કોઇ સંભાવના નથી. પરંતુ અષાઢી બીજ બાદ ચોમાસાનો ફરી રાઉન્ડ શરૂ થાય તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. હાલ રાજસ્થાન, અરબ સાગર તથા મધ્યપ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયુ છે અને દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થઇ શકે તેમ છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઇ છે અને ગુજરાતના તમામ બંદરો પર 3-નંબરનું સિગ્નલ લગાવાયું છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 39 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં બે ઇંચ, નવસારીના ખેર ગામમાં એક ઇંચ, તાપીના વ્યારામાં એક ઇંચ, ડોલવાણ અડધો ઇંચ અને સુરતના મહુવામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં એકપણ જગ્યાએ વરસાદ વરસ્યો નથી. જેનું મુખ્ય કારણ ચક્રવાતી પવનો ફૂંકાઇ રહ્યા છે. જે વરસાદની સિસ્ટમને વિખેરી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં હળવા વરસાદની જ સંભાવના છે. 30 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, વાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.

1લી જુલાઇ એટલે કે રથયાત્રાના દિવસે રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. જેમાં મહિસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે સુરત, તાપી, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 5 જુલાઇ સુધી રાજ્યમાં ઝાપટાથી માંડીને ભારે વરસાદ પડવાની શક્યતા છે. 5 જુલાઇ બાદ વરસાદ ગતિ પકડશે ત્યારબાદ રાજ્યભરમાં ચોમાસુ જામશે. તેમ હવમાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી 1લી જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. બીજી બાજુ બોટને સલામત સ્થળે ખસેડી દેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. 50 થી 60ની કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને ધ્યાને લઇ દરિયા કિનારે સિગ્નલ રાખતા માછીમારો માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.

ભલગામડાના ખેડૂતોએ મેઘરાજાને મનાવવા માતાજીને નૈવેદ્ય ધરાવ્યા

1656391441067

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ઝાલાવાડના અનેક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ ન વરસતા ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. લીંબડી અને ચુડા તાલુકા નળકાંઠા અને ભાલપંથકના ગામડાઓમાં હજુ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. પરિણામે ખેડૂતો ચિંતિત બન્યા છે. મેઘરાજાને મનાવવા માટે લીંબડી તાલુકાના ભલગામડા ગામના ખેડૂતોએ ગામદેવી બુટ ભવાની માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરાવ્યું હતું અને નૈવેદ્ય ધરાવ્યો હતો.

રાજ્યના 11 બંદરો પર 3-નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયુ છે અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઇ શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવા વરસાદની પણ શક્યતા છે. ત્યાં જ જખો-માંડવી પર 3-નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા-ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, અમરેલી, ભાવનગર, દહેજ અને ભરૂચમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ વરસાદની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં તોફાની પવનની શક્યતા વચ્ચે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને આ સિગ્નલ ભારે પવન ફૂંકાવવાની શક્યતાના કારણે લગાવવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.