સરકારી અફસરોને એમના હોદ્દા પ્રમાણે છ પ્રકારના સિક્યોરિટી કવર ફાળવવામાં આવે છે : X (એક્સ), Y (વાય), Y+ (વાય પ્લસ), Z (ઝેડ), Z+ (ઝેડ પ્લસ) અને SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)! કેન્દ્ર સરકાર તરફથી જેને 535 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ફાળવવામાં આવ્યું છે, એવું 3000 કમાન્ડો ધરાવતું SPG કવર ફક્ત વડાપ્રધાન અને એમના પરિવારને જ અભેદ્ય કિલ્લા સમાન સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. આખરે દેશના વડાપ્રધાનના રક્ષણનો સવાલ છે, સાહેબ!
મુખ્યમંત્રી કે કોઈ વીઆઇપી વ્યક્તિ જ્યારે રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તેમની સાથે ગાડીઓનો કાફલો જોયો જ હશે. સરકારી અફસરોની સાઇરન વાળી ગાડીઓ અને વિવિધ સિક્યોરિટી કવર જોતાં પ્રશ્નતો થતો જ હશે કે આ એક્સ, વાય ને ઝેડ સિક્યોરિટીમાં હોય શું?
1981ની સાલ સુધી વડાપ્રધાનના રક્ષણની જવાબદારી દિલ્હીના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP)ની રહેતી હતી. ઑક્ટોબર 1981માં ઇન્ટલિજન્સ બ્યુરોએ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી, જે વડાપ્રધાનને દિલ્હી તેમજ અન્ય રાજ્યોના પ્રવાસ વેળાએ ખાસ સુરક્ષા આપવાનું કામ કરતી હતી. ઑક્ટોબર, 1984માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાંખવામાં આવી, ને એ પણ એમની પોતાની જ ઑફિસમાં! જેના કારણે કેન્દ્ર સરકારને લાગ્યું કે દિલ્હી પોલીસ દેશના સર્વોચ્ચ વડાના રક્ષણની જવાબદારીમાં કાચી પૂરવાર થઈ રહી છે. આ માટે તો વિદેશમાંથી તાલીમ લઈને આવેલી ખાસ ટુકડી જ જોઈએ, જે વડાપ્રધાનનો પડછાયો બનીને એમની સુરક્ષાનું ઉત્તરદાયિત્વ સંભાળી શકે.
પરિણામસ્વરૂપ, 8 એપ્રિલ 1985ના દિવસે એસપીજીનો ઉદય થયો. રાજીવ ગાંધીના પ્રધાનમંત્રીકાળ દરમિયાન એસપીજી તરફથી એમને પૂરતું પ્રોટેક્શન મળ્યું. પરંતુ એ સમયમાં વડાપ્રધાન પદને અલવિદા કહી દીધા બાદ પૂર્વ પ્રધાનમંત્રી પાસેથી એસપીજી કવર હટાવી લેવામાં આવતું હતું.
1989માં વી.પી.સિંઘ પ્રધાનમંત્રીની ગાદી પર બેઠાં અને એમણે રાજીવ ગાંધીનું એસપીજી કવર હટાવવાનો આદેશ આપ્યો. જેના લીધે 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ. ત્યારબાદ એસપીજી કવરનાં માળખામાં બહુ મોટા પરિવર્તનો હાથ ધરવામાં આવ્યા. સર્વાનુમતે, એવું નક્કી થયું કે પૂર્વ વડાપ્રધાન અને એમના પરિવારોને પણ પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી પરથી ઉતર્યા પછી 10 વર્ષ સુધી એસપીજી કવર મળી શકશે. પરંતુ અટલ બિહારી વાજપેઇને કેન્દ્રનો આ નિર્ણય મંજૂર નહોતો. 1999ની સાલમાં એમણે પૂર્વ પ્રધાનમંત્રી પી.વી.નરસિંહા રાવ, એચ.ડી.દેવ ગૌડા અને આઇ.કે.ગુજરાલ માટે બિનજરૂરી થઈ ગયેલા એસપીજી સિક્યોરિટી કવર હટાવ્યા.
આ ઘટનાને ચાર વર્ષના વ્હાણાં વીતી ગયા બાદ એમણે 2003માં એવી જાહેરાત કરી કે હવેથી પૂર્વ પ્રધાનમંત્રીને ફક્ત એક વર્ષ સુધી એસપીજી કવર મળી શકશે અને ત્યારબાદ દર વર્ષે એમના પ્રાણ પર રહેલાં સંકટ વિશેની આંકડાકીય માહિતીઓના અભ્યાસ બાદ જ એ સેવા કાર્યરત રાખી શકાશે. (જોકે, એ વાત અલગ છે કે અટલ બિહારી વાજપેઇને એમના છેલ્લાં શ્વાસ સુધી એટલે ગત વર્ષ સુધી એસપીજી કવર મળતું રહ્યું!)
એસપીજીથી ઉતરતી કક્ષાની પાંચેય કેટેગરીની સેવાઓ પણ કંઈ જેવી તેવી નથી. દેશના વીઆઇપી નેતાઓને જ એ પ્રાપ્ય છે. એક્સ (X) કેટેગરીમાં આવતાં નેતાને ફક્ત એક બંદુકધારી પોલીસમેન ફાળવવામાં આવે છે, જ્યારે વાય (Y) કેટેગરીના નેતાને એમના ઓફિસકાર્યો ઉપરાંત રહેઠાણ ખાતે પણ સશસ્ત્ર પોલીસમેન દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
સશસ્ત્ર કમાન્ડોનો આંકડો આગળની કેટેગરીમાં વધતો જાય છે અને ઝેડ પ્લસમાં કુલ પંચાવન પોલીસમેન એક નેતા માટે સિક્યોરિટીની ભૂમિકા ભજવતાં હોય છે, ઉપરાંત એક એસ્કોર્ટ કાર તો ખરી જ! અચ્છા, રાષ્ટ્રપતિને એસપીજી કવર નથી મળતું. તેમને ઇન્ડિયન આર્મીના પીબીજી (PBG) રેજિમેન્ટ તરફથી ખાસ રક્ષણ પ્રાપ્ત થાય છે. નરેન્દ્ર મોદી માટે ફાળવવામાં આવેલા એસપીજી કવરમાં હાલ કુલ 3000 પોલીસમેન-કમાન્ડો ફરજ બજાવી રહ્યા છે.
વેસ્ટર્ન-સ્ટાઇલ બ્લેક ફોર્મલ બિઝનેસ સુટ, બ્લેક સનગ્લાસિસ, કાનમાં અત્યાધુનિક બ્લ્યુટૂથ ડિવાઇસ અને હેન્ડગન સાથે નરેન્દ્ર મોદીની પાછળ ઉભા રહેતાં આ કાફલાને વીંધીને છેક સુધી પહોંચવું અશક્ય છે. તેમની અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા મહાભારતના યુદ્ધના સાત કોઠાથી પણ વધુ મજબૂત છે!
રાહુલ ગાંધીને જ્યાં સુધી એસપીજી કવર મળતું રહ્યું, ત્યાં સુધી તેમણે એ વાતની પરવાહ ન કરી. 156 વિદેશ પ્રવાસમાંથી 143 જેટલા પ્રવાસોમાં તેઓ કોઈ પ્રકારના સુરક્ષા દળ વગર સાવ એકલપંડ્યે ઘૂમ્યા! જેને લીધે કેન્દ્ર સરકારની ભરપૂર આલોચના પણ તેમણે સાંભળવી પડી હતી. આમ છતાં એમના પરિવાર પરથી એસપીજી કવર હટાવી લેવામાં આવતાં અત્યંત ખેલદિલીપૂર્વક એમણે પોતાના સર્વે એસપીજી જવાનોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
જાણવા જેવી વાત તો એ છે કે, યુપીએ સરકારે 2004 થી 2013ના સમયગાળા દરમિયાન ગાંધી પરિવાર, મનમોહનસિંહ અને અટલ બિહારી વાજપેઇના એસપીજી સિક્યોરિટી કવર માટે કુલ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો! ગત વર્ષ 2018માં આ ખર્ચ 411.68 કરોડ રૂપિયા હતો, જ્યારે ચાલુ વર્ષે 535 કરોડ રૂપિયા! કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે કોઈ જ બાંધછોડ નથી કરવા માંગતી. પરિણામસ્વરૂપ, એસપીજી કવરની તમામ સુવિધાઓ અને ડિવાઇસને અમેરિકન સિક્યોરિટી સર્વિસની માફક અપડેટ કરી દેવામાં આવ્યા છે. એસપીજીના સિક્યોરિટી ગાર્ડ્ઝ પાસે રહેલી હાઇ-ટેક FNF-2000 રાઇફલ, ઑટોમેટિક ગન અને રિવોલ્વર્સનો કોઈ જોટો જડે એમ નથી.
વડાપ્રધાન દેશ-વિદેશનાં ગમે તે ખૂણે જાય, પરંતુ એસપીજી એમની હાજરીના 24 કલાક પહેલા જે-તે સ્થળ પર પહોંચીને સુરક્ષાના તમામ માપદંડને બરાબર ચકાસી લે છે. એ સિવાય, નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના રહેઠાણ 7 લોક ક્લ્યાણ માર્ગ પર પણ 500 એસપીજી કમાન્ડો સતત પહેરો ભરે છે.
વડાપ્રધાન જ્યારે રોડ માર્ગે પ્રવાસ ખેડે ત્યારે એમની આજુબાજુ કંઈ કેટલીય કાળી ડિબાંગ લક્ઝુરિયસ ગાડીનો કાફલો રહે છે, એ બાબત પણ તમે નોંધી હશે. જેમાં બે સશસ્ત્ર બીએમડબ્લ્યુ-7 સીરિઝ સીડેન કાર, 6 બીએમડબલ્યુ એક્સ-ફાઇવ કાર, 1 મર્સીડિઝ બેન્ઝ એમ્બ્યુલન્સ અને ટાટા સફારી જામર કારનો સમાવેશ થાય છે. આતંકવાદીને ગુમરાહ કરવા માટે આ કાફલામાં વડાપ્રધાનની કાર જેવી અદ્દલોદ્દલ દેખાતી બીજી બે ડમી કાર પણ રસ્તા પર દોડતી હોય છે.
SPG કમાન્ડોને ઇંડિયન પોલીસ સર્વિસ, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા બળ જેવા અલગ અલગ સુરક્ષા દળોમાંથી પસંદ કરવામાં આવે છે. એસપીજી કવર માટે સિલેક્ટ થવાની પ્રક્રિયા પણ બિલકુલ સરળ નથી. કંઈ કેટલીય ફિઝિકલ ટેસ્ટ્સ, પેપર અને સાયકોલોજિકલ પરીક્ષા આપ્યા બાદ તેમાં પ્રવેશ શક્ય છે.
થોડા મહિનાઓ પહેલા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પાસેથી પણ એસપીજી સિક્યોરિટી દૂર કરીને એમને ઝેડ-પ્લસ સુવિધા આપવામાં આવી. સવાલ એ છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અથવા એમના પરિવારની સલામતી હવે જોખમમાં નથી એ વાતની જાણકારી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
બેઝિકલી, ગૃહમંત્રાલય દ્વારા ઇન્ટલિજન્સ બ્યુરો (IB) અને રીસર્ચ એન્ડ એનેલિસીસ વિન્ગ (RAW)ની ટીમ પાસેથી આ અંગેની જાણકારી મેળવવામાં આવે છે. વડાપ્રધાન પદ પરથી સેવામુક્ત થયા બાદ દર વર્ષે લગભગ ત્રણ મહિના સુધી પૂર્વ પ્રધાનમંત્રી અને એમના પરિવારોની સુરક્ષા અંગેની જાંચ કરવામાં આવે છે. યોગ્ય પૃથક્કરણ અને પૂરતી તપાસ બાદ એમની જાન પર અગર કોઈ ખતરો ન જણાય તો તેઓ ગૃહમંત્રાલયને એસપીજી કવર દૂર કરવાનો રીપોર્ટ આપી શકે છે, જેના આધારે આવા નેતાઓને છેવટે ઝેડ-પ્લસ સુવિધા આપવામાં આવે છે.
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં કામ કરી ચૂકેલા ઘણાં કમાન્ડોનું કહેવું છે કે, વડાપ્રધાન અને એસપીજી કવર વચ્ચે માઁ-દીકરા જેવો સંબંધ હોય છે. પોતાના બાળકને સંકટમાં ભાળીને એક માઁ જેમ પોતાના પ્રાણની આહુતિ આપતાં પણ નથી અચકાતી, એવી જ રીતે એસપીજી સિક્યોરિટી કમાન્ડો જરૂર પડ્યે દેશના સર્વેસર્વા ગણાતાં વડાપ્રધાન માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે! એક સલામ એમની સ્પિરિટને!.