લોકોમાં પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃતિ આવે તે માટે આયોજન: ફાર્માસિસ્ટ એસોસિએશન અને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા
ફાર્માસિસ્ટ એટલે દર્દીઓ સુધી સાચી દવા, સાચા સમયે સાચી માત્રામાં જરૂરી માર્ગદર્શન સાથે પહોંચાડનાર ઉપરાંત હેલ્થકેર સિસ્ટમમાં નવા રોગો માટે નવી દવાઓ વેક્સીનના રીસર્ચ, દવાઓ અને વેક્સીનનું મેન્યુફેક્ચરીંગ તેમજ પેશન્ટને એન્ટી બાયોટીક દવાઓના સુચારૂ ઉપયોગ વિશે યોગ્ય સલાહ અને માહિતી આપી હેલ્થકેર સિસ્ટમના પાયાના ભાગરૂપે વર્ષોથી કામગીરી કરી રહ્યા છે એટલે જ આજે ભારત દેશને વિશ્ર્વની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે.
રાજકોટમાં “વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે” ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટના રેસકોર્ષ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુક્તિ, હેલ્થ અવેરનેશ રેલીનું કિશાનપરા ચોકથી આત્મીય કોલેજ સુધી રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન, ધ ફેડરેશન ઓફ ગર્વમેન્ટ ફાર્માસિસ્ટ એસોસિએશન તથા દરેક ફાર્મસી કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વજન, ઊંચાઇ અને બીએમઆઇ મેજરમેન્ટ કરી આપવામાં આવ્યું હતું.
ધ ફેડરેશન ઓફ ગર્વમેન્ટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે ડાયાબીટીશ અને બીપીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. કોવિડ, પેડેમીક અને સોસાયટીમાં ફાર્માસિસ્ટની ભૂમિકા વિશે જાગૃતિ આપવામાં આવી હતી. લોકોને જરૂરિયાત મુજબ તુલસીના રોપાનું અને વિનામૂલ્યે ચકલીના માળાનું કુમ-કુમ ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. રેસકોર્ષ રીંગ રોડ પર બાલ ભવનની નજીક જુદી-જુદી ફાર્મસી સંસ્થાઓએ તેમના વિદ્યાર્થી પ્રોફેસરો તથા ફાર્મસિસ્ટો દ્વારા સ્ટોલ ઊભા કરી લોકોમાં દવાઓ વિશે સાચી માહિતી આપી હતી. જેમાં બી.કે. સરકારી ફાર્મસી કોલેજ, આર.કે. યુનિ., ગાર્ડી કોલેજ, મારવાડી યુનિ., આત્મીય કોલેજ વગેરે જોડાઇ હતી.
- લોકોના જીવનમાં ડોક્ટર પછીનું સ્થાન ફાર્માસિસ્ટનું : હિતેષભાઇ ત્રાડા (રાજકોટ ફાર્મસિસ્ટ એસોસિએશનના ફાઉન્ડર સેક્રેટરી)
રાજકોટ ફાર્મસી એશોસિએશનના ફાઉન્ડર સેક્રેટરી હિતેષભાઇ ત્રાડાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે લોકોમાં હેલ્થ વિશે જાગૃતિ આવે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ જેટલી સંસ્થા જોડાયેલી છે. ફાર્માસિસ્ટ એક એવું વ્યક્તિ છે. જેને લોકોના જીવનમાં ડોક્ટર પછીનું એક સ્થાન આપી શકાય. લોકોએ ફાર્માસિસ્ટથી જાગૃત થવાની જરૂર છે.
- લોકોને ફેમેલી ડોક્ટરની જેમ એક ફેમેલી ફાર્માસિસ્ટ હોવો જોઇએ : સત્યેન પટેલ (રાજકોટ ફાર્માસિસ્ટ એસો.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ)
રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સત્યેન પટેલે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે લોકોની હેલ્થની જાગૃતિ માટે અમે આ આયોજન કર્યું છે. લોકોને ફેમેલી ડોક્ટરની જેમ એક ફેમેલી ફાર્માસિસ્ટ પણ હોવો જોઇએ. આ આયોજનમાં આજે ઘણી ફાર્માસી કોલેજના વિદ્યાર્થીઓ અહિં જોડાયા છે. જે લોકોની હેલ્થ માટે માહિતી આપી રહ્યા છે.