ચેપી રોગ માટે કોર્રોન્ટાઈન સમય જુદો જુદો હોય છે

કેટલીક વાર મુસાફરી પૂરી થતા પહેલા ખબર પડે કે મુસાફરી કરનાર વ્યકિતને ચેપીરોગ છે તો તે સંજોગોમાં તેવા મુસાફરને એરપોર્ટ ઉપર અથવા ખાસ વ્યવસ્થોવાળી હોસ્પિટલમાં દાખલ કરાય છે અને ચોકકસ સમય સુધી દેશમાં દાખલ થવા દેતા નથી આને ‘કોર્રોન્ટાઈન’ કહે છે

પ્રવર્તમાન સંજોગોમાં વૈશ્ર્વિક સ્તરે કોરોના ઈફેકટને કારણે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય બાબતેનાં નિયમો જાણવાની જરૂર છે. વિદેશમાં આવન-જાવન હેતુઓ અને પ્રવાસીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ સંજોગોમાં ચેપીરોગોનો ફેલાવો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમો અને ઉપયોગ નકકી કરવામાં આવ્યા છે.

ઈ.સ. ૧૯૪૮માં જીનીવા ખાતે, આરોગ્ય વિષયક બાબતો માટે ‘વિશ્ર્વ આરોગ્ય સંસ્થા’ની રચના કરવામાં આવી. આ સંગઠન સંયુકત રાષ્ટ્રો (યુનાઈટેડ નેશન-યુ.એન)ની પેટા સમિતિ છે. દુનિયાનાં લોકોનાં શારિરીક, માનસિક આરોગ્યમાં સુધારા માટેના પ્રયાસો તેમનું મુખ્ય કાર્ય છે. વિશ્ર્વમાંથી ચેપી-ઘાતક રોગોની નાબુદી, મૃત્યુ દરમાં ખાસ કરીને બાળમૃત્યુમાં ઘટાડો થાય, લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વૃધ્ધી, તેમજ આરોગ્ય અને તબીબી શિક્ષણ, તાલીમ અને સંશોધન જેવી મહત્વની કામગીરી માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા તેના સભ્ય દેશોના સહકારથી અસરકારક ભૂમિકા ભજવે છે. હાલની સ્થિતિમાં પણ ‘કોરોના’ નાબુદીમાં તેની વૈશ્ર્વિકસ્તરની ભૂમિકા સાથે સમગ્ર વિશ્ર્વને માર્ગદર્શન મળી રહ્યું છે.

વિદેશ જવાનો પરવાનો (વિઝા) મેળવવા જેતે દેશના નિયમ પ્રમાણે તબીબી તપાસ કરાવીને ડો. સર્ટી મેળવવું પડે છે. જેમાં મુસાફરનાં સ્વાસ્થ્યસ્તર વિશેની માહિતીને ડોકટરનો અહેવાલ ઉપરાંત જે વિવિધ તપાસ કરવામાં આવી હોય તેનો મૂળ અહેવાલ રજૂ કરવા જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્યનાં કડક નિયમો છે. તેની કડક અમલવારી છે કોઈ પણ દેશ તેમાં બાંધછોડ કરી શકતો નથી. પરદેશ જતી વ્યકિતઓને ખાદ્યસામગ્રી ખૂલ્લી લઈ જવાની છૂટ નથી. યોગ્ય રીતે ડબ્બામાં કે સિલબંધ પેકિંગ કર્યા પછી જ સાથે લઈ જવાની છૂટ અપાય છે. જયાંથી ઉપડે ત્યાં તથા જયા ઉતરે ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય સુરક્ષા કાજે વિમાન મથકે વિમાનનું ફયુમિગેશન કરવામાં આવે છે ખાસ પ્રકારનાં વાયુથી જીવાણું-વિષાણુ-વાયરલ રહિત બનેલું વિમાન રોગને ફેલાતો અટકાવે છે. અમુક સંજોગોમાં તો મુસાફરી પૂર્ણ કર્યા પહેલા ખબર પડે કે વ્યકિતને ચેપીરોગ છે તો તેને અધવચ્ચે એરપોર્ટ ઉપર ઉતારી મૂકીને ખાસ વ્યવસ્થાવાળી હોસ્પિટલમાં એડમીટ કરી દેવાય છે જેતે દેશનાં નિયમ અનુસાર નિશ્ર્ચિત સમય સુધી તેને તે દેશમાં દાખલ થવા દેતા નથી. આને ‘ક્વરિન્ટાઈન’ સમયગાળો કહે છે જે જુદા જુદા ચેપીરોગ માટે અલગ અલગ હોય છે.

knowledge corner LOGO 4 3

‘ચેપીરોગ’ એક વ્યકિતમાંથી બીજી વ્યકિતનાં શરીરમાં સીધા અથવા કોઈ માધ્યમની મદદથી પ્રસરે છે. તેને ચેપીરોગ કહેવાય છે. તેની ઉત્પતિ જીવાણુ, વિષાણુ, વાયરસ, ફૂગ જેવા પરોપજીવી નાના કે સુક્ષ્મ જીવો વડે થાય છે. આ પ્રકારનાં રોગોમાં રોગ ફેલાવનારા જંતુઓ વ્યકિતનાં શરીરમાં દાખલ થાય છે. ત્યારબાદ તે સંખ્યામાં વધે છે. જેની અસર સ્વરૂપે શારીરીક ક્ષમતા ઘટે છે. અને વિવિધ તકલીફો પેદા થાય છે. આમ ચેપી જીવાણુંના સંસર્ગથી થતા રોગોને ચેપીરોગ કે સંક્રામક રોગ તરીકે પણ ઓળખાય છે. હાલની ‘કોરોના’ ઈફેકટ આજ પ્રકારનો ચેપીરોગ છે તેથી દરેક નાગરીકે સાવચેતી રાખવી જરૂરી છે. આવી સ્થિતિ જયારે હોય ત્યારે બહુ ભીડવાળી જગ્યાએ ન જવું હિતાવહ છે. ચેપીરોગ કેવી રીતે થાય, કેવી રીતે બીજામાં ફેલાય તે જાણવું જરૂરી છે.રોગચાળા સમયે જનસ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાતો હોય ત્યારે રોગચાળાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કયારેક શિક્ષાત્મક પગલા લેવાની ફરજ પડે છે. ત્યારે સહાયભૂત થવા માટે સરકાર જે તે વિસ્તારને ‘અસરગ્રસ્ત વિસ્તાર’ જાહેર કરે છે. સામાન્યત: જે તે વિસ્તારમાં ચેપીરોગનો ઉપદ્રવ જે કારણસર થતો હોય તે કારણોને નિયંત્રણ કે નાબુદ કરવામાં લોકોનો સહકાર અનિવાર્ય બની રહે છે. બહોળા જનસમુદાયના સ્વાસ્થ્ય હિતને જોખમમાં મૂકે છે. આવે વખતે વ્યકિતગત ભૂમિકા અને જનસહયોગ અત્યંત મહત્વના છે.

ચેપરોગોમાં એઈડ્સ, ટીબી, કોલેરા, પ્લેગ જેવા વિવિધમાં સાવચેતીના પગલા રૂપે દર્દીઓને આઈસોલેશન જરૂરી છે. હવા-પાણી ખોરાક કે સ્પર્શથી ફેલાતા રોગોમાં આવા દર્દીઓને ભીડથી દૂર રાખવા પરિવારથી પણ દૂર રાખીને સમુહને બચાવી શકાય છે.

ગુજરાતમાં કેન્સરથી દરરોજ ત્રણ, એઈડ્સથી બે, સાથે ટીબીથીસૌથી વધુ ૧૪ લોકોના મોત થાય છે. હાલ ટીબીનાં ૨.૨૫ લાખ દર્દીઓ ગુજરાતમાં છે.

ટીબી માટે ભાવનગર જીંથરીમાં તથા જામનગરમાં દર્દીને અલગ રાખીને ટ્રીટમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે. સાવચેતી એજ સલામતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.