અમૃત 2.0 યોજનામાં ગુજરાતના નગરો-મહાનગરો માં ૪૧ર વિવિધ કામો માટે પ્રથમ તબક્કામાં રૂ. પ૧ર૮ કરોડની દરખાસ્ત મંજૂર કરતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર
ગુજરાત શહેરી વિકાસ મિશન-GUDM દ્વારા અમૃત 2.0 મિશન અંતર્ગત રૂ. ૧પ હજાર કરોડના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ત્રણ તબક્કામાં હાથ ધરવાનું સુદ્રઢ આયોજન
દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં ૧૦૦ ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત 2.0 મિશન અન્વયે ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ. પ૧ર૮ કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે
ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ, ૧પ૬ નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના ર૦૬, ભૂગર્ભ ગટર યોજનાના ૭૦ તથા તળાવ નવિનીકરણના ૬૮ અને બાગ-બગીચાના ૬૮ મળી કુલ ૪૧૨ કામોનો સમાવેશ થાય છે
સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ તાજેતરમાં રજુ કરી હતી
એપેક્ષ કમિટીએ GUDM ની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના ૪૧ર કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. પ૧ર૮ કરોડની રકમ મંજૂર કરી છે
આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓક્ટોબર-ર૦ર૧માં પાંચ વર્ષ માટે લોંચ કરેલી અમૃત-2.0 યોજના અન્વયે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ૧૦૦ ટકા પાણી પુરવઠા પહોચાડવાનો તેમજ ૩૧ અમૃત શહેરોમાં ૧૦૦ ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર રૂપિયા ૧પ હજાર કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ૩ તબક્કામાં હાથ ધરવાનું વિસ્તૃત કાર્યઆયોજન કરવામાં આવ્યું છે.
તદઅનુસાર, પ્રથમ તબક્કાના પ૧ર૮ કરોડ રૂપિયાના ૪૧ર કામોને કેન્દ્ર સરકારે ત્વરિત મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે અને રાજ્યના નગરો-મહાનગરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની મદદથી જળ આત્મનિર્ભરતા સાકાર કરશે.