ભારત સરકારના ’નશામુક્ત ભારત અભિયાન’ નો કાર્યક્રમ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રાર્થનાગીતથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારી ચંદ્રવદન મિશ્રાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું.આ તકે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે યુવા પેઢીને નશા તરફ વળતી રોકવા માટે રાજય સરકારના વિવિધ વિભાગો થકી અભિયાનો સમાજને નશામુકત બનાવવા સતત પ્રયત્નશીલ છે.
આદર્શ નિવાસી કન્યાશાળામાં નશામૂકિત અંગે સેમિનાર યોજાયો
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાની કન્યાઓને વિવિધ સોસાયટીમાં તેમજ જાહેર સ્થળો પર નશામુક્ત અભિયાન સંદેશાઓ મારફતે નશામુક્ત ભારત બનાવવા યોગદાન આપવા તેમજ શાળાની દીકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના શેરસીયાએ કહયું હતું કે, દીકરીઓએ આર્થિક રીતે સશક્ત થવું જોઈએ અને પહેલા પોતાની જાતને મદદ કરતાં શીખવું જોઇએ. લીગલ કમ પ્રોબેશનરી ઓફિસર અલ્પેશ ગોસ્વામીએ દીકરીઓને ગુડ ટચ- બેડ ટચ વિશે જણાવ્યું હતું, જયારે પ્રોબેશનરી ઑફિસર ડો.મિલન પંડિતે નશામુકિત વિશે જણાવતાં કહયું હતું કે નશો બેધારી તલવાર છે, તેનાથી દૂર રહેવું જોઇએ. આ કાર્યક્રમમાં આદર્શ નિવાસી શાળાના આચાર્ય, શિક્ષકો અને બહોળી સંખ્યામાં દીકરીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.