પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાનો ભારે ક્રેઝ
કૈલાશ મંડપના ઓનર જેન્તીભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા ૩૬ વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. ઘણાં અનુભવો થયા છે. પહેલા લોકો પોતાના ઘર પાસે શેરીમાં લગ્નો કરવામાં આવતા. પરંતુ હવે પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાનો ક્રેઝ વધ્યો છે. અમે ચાર પાર્ટી પ્લોટ ચલાવીએ છીએ. ચારેયમાં અલગ થીમ જેવી કે મોરવાળી, સ્કેવેર, રાઉન્ડ, ષષ્ટકોણ તથા એક પાર્ટી લોન પર થીમ છે જે ટ્રેન્ડમાં છે. ૩૦,૦૦૦થી શરૂ થઇ રૂપિયા ૨,૫૦,૦૦૦ સુધીની વેડિંગ થીમ અમારે ત્યાં મળી રહે છે. અમારી પાસે ૧૦થી વધુ વેડિંગ થીમો છે અને લોકો પસંદ કરે છે.
ઘર આંગણે નહીં દેશની બહાર લગ્ન કરવા યંગસ્ટર્સને ક્રેઝ
લગ્ન કે વિવાહ કરનાર દરેક વ્યક્તિ પોતાના જીવનની આ અમૂલ્ય પળ અમૂલ્ય અવસરને યાદગાર બનાવવા ઇચ્છે છે. તેના માટે તે વેડીંગ પ્લાનર કે પછી ઇવેન્ટ પ્લાનરનો સહારો લે છે. સાત ફેરા ફરવા માટે અત્યારના યંગસ્ટર્સ ડેસ્ટીનેશન વેડીંગ પસંદ કરે છે. જેમાં થીમ બેઝ કે પછી રાજકોટ, ગુજરાત અને ભારતની બહાર લગ્ન કરવા જાય છે. સામાન્ય રીતે ઘરઆંગણે લગ્નની પ્રથા હતી. પરંતુ હવે યંગસ્ટર્સ સમગ્ર પૃથ્વીને પોતાનું ઘર અને જ્યાં યોગ્ય લાગે ત્યાં આંગણું બનાવી દીધુ છે.
હાલના ટ્રેન્ડ પ્રમાણે યંગસ્ટર્સ થીમ બેઝ લગ્નનું પ્લાનીંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને રજવાડુ થીમ, ફ્લાવર થીમ જેવી થીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યંગસ્ટર્સ રાજસ્થાન અને ગોવામાં કે પછી બેંગકોક જઇને લગ્ન કરી રહ્યા છે. ત્યાં લગ્ન અને ભવ્ય રિસેપ્સન બાદ કપલ હનીમુન કરીને પરત ફરે છે. આ અંગે વધુ જણાવતા એકસ્પ્રેસો ઇવેન્ટના ચિંતન વ્યાસ કહે છે કે ‘આજના યુવાનો અને તેમના પેરેન્ટસ લગ્નને યાદગાર બનાવવા માગે છે. જોકે દેશમાં લગ્નનો જે ખર્ચ થાય તેટલો જ ખર્ચ બેંગકોકમાં થાય છે. માટે લોકો વિદેશની ધરતી પર પ્રભુતામાં પગલા માંડવાનું પસંદ કરી રહ્યા છે.’
બાર્બીને સાડી પહેરાવીને છાબમાં મૂકવાનો ક્રેઝ
વિભુ વેડિંગ કલેકશનના મિરાબાએ જણાવ્યું કે મારી પાસે મેરેજમાં ઉપયોગમાં આવતી બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. હું રેન્ટ પર જ છાબ આપુ છું. તેમાં બધી જ વસ્તુઓ ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયામાં પુરી છાબ રેન્ટ પર આપું છું. અમારા ભાવ ખૂબ રીઝનેબલ હોય છે. મારી પાસે છાબની ટ્રે, રીંગ સેરેમનીની ટ્રે, આર્ટિફિશીયલ જ્વેલરી, ફ્રેશ ફ્લાવર જવેલરી, શ્રીફળ ડેકોરેશન વગેરે કરી આપીએ છીએ.
આ વખતે મારી પાસે કસ્ટમર્સ એલઇડી થતી હોય તેવુ નહીં પરંતુ સિમ્પલ પણ યુનિક માંગે છે. વધુ જણાવ્યું કે, આ વખતે બાર્બીમાં સાડી પહેરાવીને છાબમાં મૂકવાનો ક્રેઝ છે. મારી પાસે જેટલા લોકો છાબ ડેકોરેશન કરાવે છે તેમાં સાડી પહેરાવેલ બાર્બીનો વધુ આગ્રહ રાખે છે. મારી પાસે જે કલેકશન છે તે યુનિક અને ન્યુ હોય છે. મને નાનપણથી આવો શોખ છે. હું નવરાશના સમયે આવું અવનવું બનાવતી રહું છે.
બ્રાઇડ–ગ્રુમ વચ્ચે પરિધાન મેચીંગ કરવાનો ક્રેઝ
ધ ગ્રુમ એથનીક વેરના જિમીશા બુઘ્ધદેવે જણાવ્યું હતું કે અત્યારે વેડીંગ સિઝન નજીક આવી રહી છે ત્યારે અમારી પાસે ગ્રુમ કલેકશનમાં કાઉલ, કૂર્તાવાળુ ઇન્ડોવેસ્ટર્ન, જોધપુરી, ગ્રુમ માટે કસબ વર્કની શેરવાની, સૂટ, ડિઝાઇનર ઇન્ડોવેસ્ટર્ન, શેરવાની વગેરેની ડિમાન્ડ છે. આ વખતે ગ્રાહકો ફ્લોરોસન્ટ કલર વધુ ચાલે છે. અત્યારે મેચીંગ કરવાનો ક્રેઝ છે. તેથી લોકો એ રીતે સીલેક્ટ કરે છે. અમારા રેન્ટ રૂ.૧૨૦૦થી શરૂ કરી રૂ.૧૧,૦૦૦ સુધીના ભાવ છે. અમારી વિશેષતા એ છે કે અમારી પાસે ઘણી બધી અલગ-અલગ ડિઝાઇનની વેરાયટીઓ ઉપલબ્ધ છે તેથી ગ્રાહકોને જે જોઇતુ હોય તે મળી રહે છે.