નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે. રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અંતર્ગત સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે.
તાજેતરમાં નવસારી તાલુકાના નવાપરા ગામે સ્વચ્છતાલક્ષી સંવાદ કરી ગામના લોકોને “સ્વચ્છ ગામ અને સ્વસ્થ ગામ” વિષય ઉપર સમજુતી આપવામાં આવી હતી. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં સ્વચ્છતા લક્ષી ચિત્ર સ્પર્ધા યોજી બાળકોમાં સ્વચ્છતા જાગૃતિ આણવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો હતો. નવસારી તાલુકાના તેલાડા ગામે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા બાબતે સ્વચ્છતા પ્રવૃત્તિ કરી બાળકો પાસે વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરતા સમજ કેળવી હતી. જ્યારે વાંસદા તાલુકાના જુજ ગામે સ્વચ્છતા સંવાદ થકી સુકા અને ભીના કચરાને અલગ કરવાનું મહત્વ અને તેના યોગ્ય નિકાલ અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા. વાંસદા તાલુકાના મીઢાંબારી ગામે સ્વચ્છતા રંગોલી થકી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા જાગૃતિ ફેલાવી હતી. તથા ચીખલી તાલુકાના સમરોલી ગામે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી સ્પર્ધામાં બાળકો એ વિવિધ કલાત્મક કૃતિઓ બનાવી સમગ્ર શાળાને સ્વચ્છતનો સંદેશ પાઠવ્યો હતો.