ભારતમાં શ્વેતક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે કે જેઓ મિલ્કમેન ઓફ ઇન્ડિયા અને શ્વેતક્રાંતિ ના પિતા તરીકે ઓળખાય છે. વર્ગીસ કુરિયનએ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુદૃઢ કરવા અને ડેરી ઉદ્યોગ વિકસાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વર્ગીસ કુરિયનનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૧ના રોજ કેરળના કોઝિકોડના ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેઓ 14 વર્ષની ઉમરમાં મદ્રાસની લોયોલા કોલેજમાં જોડાયા અને વર્ષ 1940માં તેઓ ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતક થયા હતા .
ભારતમાં 60 ટકા લોકો કૃષિવ્યવસ્થા સાથે જોડાયેલા છે. ભારતમાં 7 કરોડ કૃષક પરિવારમાં પ્રત્યેક 2 ગ્રામીણ ઘરમાંથી એક ઘર ડેરીઉદ્યોગ સાથે સંકળાયેલ હોય છે. ભારતમાં 70 ટકા દૂધ નાના, સીમાંત અને ભૂમિ ખેડૂતો પાસેથી મળે છે. વર્ગીસ કુરિયનનું સ્વપ્ન હતું કે ભારત દેશ દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બને અને ભારતના ખેડૂતોની પરિસ્થિતિ સુધરે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના
૧૯૪૯માં વર્ગીસ કુરિયન દ્વારા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ( KDCMPUL )ની સ્થાપના કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘ દ્વારા નાના ગામડામાંથી દૂધ એકત્ર કરવામાં આવતું હતું સમય જતાં બીજા ગામડાઓમાં પણ KDCMPULની ઓપરેટીવ સોસાયટી બનવા લાગી. દૂધનો જથ્થો ખુબ જ વધુ માત્રામાં એકત્ર થવા લાગ્યો જેનો સંગ્રહ કરવો મુશ્કેલ હતો. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી દૂધનો સંગ્રહ સુવ્યવસ્થિત રીતે થઈ શકે. આણંદ અન્ય જિલ્લાઓમાં પણ આ ઓપરેટીવ સોસાયટી નો પ્રસાર થવા લાગ્યો.
KDCMPUL સંઘને અમુલ નામ આપવામાં આવ્યું :
ઈ. સ 1955માં ડો.કુરિયને KDCMPUL કોઈક સરળ ઉચ્ચારણવાળું નામ આપવા માંગતા હતા. કર્મચારીઓએ તેમને’ અમૂલ્ય’ નામ સૂચવ્યું જેનો મતલબ અનમોલ થાય છે પાછળથી ‘અમુલ ‘ નામે તેનું ઉચ્ચારણ થયું .AMULને આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે.
વર્ગીસ કુરિયને ૧૯૬૫ થી ૧૯૯૮ સુધી 33 વર્ષ એનડીડીબી ( નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ )નાં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી ૧૯૭૦માં ‘ઓપરેશન ફ્લડની ‘શરૂઆત તેમણે કરી હતી. આજે દેશભરમાં 1.6 કરોડથી વધુ લોકો અમુલ સાથે જોડાયેલા છે. અમુલડેરી દેશભરમાં 1,85,903 ડેરી કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા અમુલ પોતાનું દૂધ પહોંચાડે છે. 218 ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ યુનોમાં દૂધની પ્રોસેસિંગ થાય છે.
આજે ભારત વિશ્વના દૂધ ઉત્પાદનના દેશોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં દૂધ ઉત્પાદન કરવામાં ભારત આજે સવિશેષ સ્થાન ધરાવે છે.