રવિવારે મેઘરાજાની સટાસટીથી ઘી, સિંહણ ડેમ ૪ થી ૬ ફૂટથી ઓવરફલો થયા
સતત સારા વરસાદથી મોસમનો કુલ વરસાદ ૧૦૦ ઈંચ
ખંભાળીયામાં ત્રણ દિવસના મેઘાડંબર બાદ વરાપ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. તાજેતરમાં પડેલા સારા વરસાદથી સીઝનનો કુલ વરસાદ ૧૦૦ ઈંચ થઈ ગયો છે. ખંભાળીયામાં આ વખતે મેઘરાજાએ અવિરત વર્ષા કરી હોય જેથી સીઝનમાં ૧૦૦ ઈંચ જેટલો વરસાદ થઈ ગયો છે. સમગ્ર સીઝનમાં લાંબા સમય સુધી અવિરત વરસાદ થયો ન હતો. મેઘરાજાની અમિદ્રષ્ટિથી કલાકોના ભારે વરસાદ બાદ વિરામ આવી જવાથી વારંવારની ભયાનક સ્થિતિ ઓસરી જતી હતી જેથી ૧૦૦ ઈંચ વરસાદ છતાં ખંભાળીયામાં કોઈ નુકસાન કે જાનહાની થઈ નથી.
ખંભાળીયામાં મે માસથી અત્યાર સુધી ૨૪ કલાક દરમિયાન મેઘરાજા કયારેય પણ હાજરી પુરાવતા હતા જેથી ચાર માસની અવિરત જલવર્ષાથી સીઝનનો કુલ વરસાદ ૧૦૦ ઈંચ જેટલો થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯ ઈંચ જેટલો ટનાટન વરસાદ થવાથી અહીંના તમામ નદી-નાળા ઉપરા ઉપરી ઓવરફલો થયા હતા તેમજ ખંભાળીયા, જામનગર તથા પોરબંદર હાઈવે પરનો વાહન વ્યવહાર ચારેક કલાક માટે ખોરવાયો હતો. જામનગરના બેડ પુલ પર રામરોટી આશ્રમ નજીક બેકાંઠે નદી વહેવાથી વાહન વ્યવહાર બંધ થયો હતો.
ગઈકાલ સમગ્ર સિઝનમાં મેઘરાજાએ જાણે અમીદ્રષ્ટિ રાખી હોય તેમ થોડી કલાકોમાં મધ્યમથી ભારે ગતિએ વરસાદ થયા પછી કેટલાક કલાકનો વિરામ આવવાથી વારંવાર ભયાનક સ્થિતિ ટળી જતી હતી. રવિવારે રાત્રે માત્ર ૩૦ મિનિટમાં મેઘરાજાએ સટ્ટાસટ્ટી બોલાવતા ઘી ડેમ, સિંહણ ડેમમાં ચારથી માંડી ૬ ફુટથી ઓવરફલો થયા હતા જેના લીધે ભયાનક સ્થિતિ નિર્માણ થયેલ પરંતુ મિનિટો બાદ મેઘરાજાએ વિરામ લેવાથી ચિંતાજનક સ્થિતિ ઓસરી ગઈ હતી.