સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી બાઇક ચોરી કરતી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડી. વરાછા પોલીસે બાઇક ચોરી કરતું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે મળતી બાતમીને આધારે આ આખી બાઈક ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો. વરાછાના કુબેરનગર પોપડા ખાતેથી બાઈક ચોરીમાં સંડોવાયેલ અશ્વિન મોગરા, ધીરુભાઈ વાવડીયા અને છગન સરવૈયાની ધરપકડ કરી , તેમની સઘન પૂછપરછ હાથ ધરતા અનેક ચોરીની મોટરસાયકલ મળી આવી.
પોલીસે પાંચની ધરપકડ કરી સાત મોટરસાયકલ કબજે કર્યા
ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે મોટરસાયકલ ચોરીના સૌપ્રથમ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સઘન પૂછપરછ હાથ ધરતા વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા અને તેમની પણ ધરપકડ કરી તેમની પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી. તેમના પાસેથી અન્ય બે શખ્સો પણ આ રેકેટમાં હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરી કુલ પાંચ જેટલા મોટરસાયકલ ચોરી કરનાર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી. 5 આરોપીઓની પાસેથી કુલ સાત જેટલી ચોરીની મોટરસાયકલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જુદા જુદા ત્રણ પોલીસ મથકના ગુના નો ભેદ ઉકેલાયો
ડીસીપી ભક્તિ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ પાંચ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા શહેરના કુલ ત્રણ જેટલા પોલીસ મથકના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. વરાછા પોલીસ સ્ટેશનના બે વાહન ચોરીના ગુના, ઉતરાણ પોલીસ સ્ટેશનનો એક અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો એક વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
બાઇક ચોરીથી લઈ વેચાણ સુધીના નેટવર્કનો પર્દાફાશ થયો
વરાછા પોલીસે આ ગેંગને ઝડપી ત્યારે વાહન ચોરી કરવાથી લઈને તેને વેચી દેવા સુધીના આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલિસેને મોટી સફળતા મળી છે.આ અંગે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે જ્યારે પહેલો આરોપી પકડાયો ત્યારે તેની પૂછપરછમાં તેની સાથે સંડોવાયેલા અન્ય બે વાહન ચોરીના આરોપીના નામ સામે આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી.ત્યાર બાદ તેમની પૂછપરછમાં ચોરીના તમામ સ્પેરપાર્ટ છુટા કરીને ભંગારમાં વેચવામાં આવતા હતા તે ગેરકાયદેસર ભંગારમાં વેચનાર બે આરોપીઓના નામ સામે આવ્યા હતા.જેથી વરાછા પોલીસે તેમને પણ દબોચી લીધા હતા અને આમ આખું બાઈક ચોરીથી લઈને ભંગારમાં વેચાણ સુધીના નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.