પરિવારજનોને જાણ થતાં કોચને બરોબરનો મેથીપાક આપી પોલીસને હવાલે કરાયા બાદ કલ્બે ટર્મીનેટ કર્યો.
વાપી સ્પોર્ટ્સ ક્લબના સ્વીમીંગ કોચ દ્વારા તરૃણીની છેડતી અને બિભત્સ મેસેજ કરવાના મામલે તરૃણીના પરિવારજનોએ કોચને બરોબરનો મેથીપાક આપી અધમુઓ કરી નાંખ્યો હતો. છેલ્લા એક વર્ષથી કોચ તરીકે ફરજ બજાવતા મુળ કોલકત્તાના યુવાને ભુલથી મેસેજ કર્યો હોવાનો બચાવ કર્યો હતો. જોકે આ મામલે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કોચને ટર્મિનેટ કરી પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે તરૃણીના પરિવારજનોએ કોચને પોલીસને હવાલે કરી દીધો છે.
વાપીના ચલા વિસ્તારમાં પાલિકા દ્વારા કરોડોેના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન સ્પોર્ટ્સ ક્લબનું સંચાલન માર્કકોમ સ્પોર્ટ્સ નામની સંસ્થાને સોંપવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ક્લબમાં ટેનિસ, બેન્ડમિન્ટન, કેરમ, ચેસ જેવી ઈન્ડોર ગેમની સાથે સ્વીમીંગ પુલ પણ આવેલો છે. જ્યાં ઊંચી ફી વસુલાતી હોવાથી વાપીના ભદ્ર સમાજના લોકો જ ત્યાં જઈ શકે છે. સ્પોર્ટ્સ ક્લબમાં ચાલતા સ્વીમીંગ પુલમાં કોચ તરીકે રામમિલન યાદવ છેલ્લા એક વર્ષથી ફરજ બજાવે છે.
છેલ્લા થોડાક દિવસો પહેલાં રામમિલન યાદવે સ્વીમીંગ માટે આવતી વાપી ટાઉનમાં રહેતી ૧૩ વર્ષિય કામિની (નામ બદલ્યું છે)નો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં રામમિલન યાદવે કામિની પર કામણ પાથરવા માટે તેને બિભત્સ અને અશ્લિલ મેસેજ મોકલવાનું શરૃ કર્યું હતું. જોકે કામિનીની ઉંમર નાની હોવાથી તેને આ અંગેનો કોઈ ખ્યાલ નહીં આવતાં તેના પરિવારજનોને જાણ કરી હતી.
સ્વીમીંગ શીખવતા કોચ દ્વારા આ પ્રકારની હરકતને જરાપણ સાંખી શકાય તેમ નહીં હોવાથી આજે સવારે જ કામિનીના પરિવારજનો સ્પોર્ટ્સ ક્લબ પહોંચી ગયા હતા. અને રામમિલન યાદવની બરોબર ધોલાઈ કરી નાંખી તેને અધમુઓ કરી નાંખ્યો હતો. બાદમાં રામમિલનને પોલીસને હવાલે કરતાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.
મહિલા કોચની ગેરહાજરીનો પુરૃષ કોચે મોબાઇલ નંબર મેળવી ગેરલાભ ઉઠાવ્યો
સ્વીમીંગ કોચ દ્વારા કામિનીને અશ્લિલ મેસેજ અને છેડતી કરવાના મુદ્દે માર્કકોમ સ્પોર્ટ્સના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક વર્ષમાં રામમિલન યાદવ અંગે આવી કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ આ ઘટના બાદ તેને તુરંત ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. જોકે મહિલાઓની જાતીય સતામણી કે છેડતીને રોકવા માટે મહિલા કોચ હોવા જરૃરી છે. પરંતુ સ્પોર્ટ્સ ક્લબમાં પુરૃષ કોચ દ્વારા ટ્રેઈનિંગ આપવામાં આવતી હોય છે. આ અંગે સંચાલકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે બાળકો અને મહિલાઓ માટે સાંજે ૪થી ૫ અને પથી૬નો સમય નિર્ધારિત કરાયો છે. પરંતુ સમયની અનુકુળતાને કારણે તેઓ આ સમય સિવાય અન્ય સમય પસંદ કરતા હોય છે. પરંતુ આ સમય દરમિયાન મોબાઈલ નંબરની આપલે કરી આવી હરકત કરે ત્યારે તેને પર અંકુશ રાખવો મુશ્કેલ બની રહે છે. આવી ઘટનાઓને બનતી રોકવા માટે ક્લબ દ્વારા આગામી દિવસોમાં સાયકોલોજી એક્ષપર્ટને પણ બોલાવવામાં આવશે.
મેસેજ ભૂલથી થયો હોવાનો લૂલો બચાવ
જોકે સ્વીમીંગ કોચ રામમિલન યાદવે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તેણે કામિનીને ભુલથી મેસેજ કર્યો હતો. જોકે કામિનીના પરિવારજનોના જણાવ્યા મુજબ રામમિલને અશ્લિલ મેસેજની સાથે છેલ્લા બે દિવસથી તેની છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે માર્કકોમ સ્પોર્ટ્સ દ્વારા રામમિલન યાદવને તુરંત જ ટર્મિનેટ કરી દેવાયો હતો. પરંતુ સ્પોર્ટ્સ ક્લબમાં આવતી તરૃણીઓ, યુવતિઓ અને મહિલાઓની સલામતિ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.