પરિવાર સાથે મંદિરે દર્શને જતા વેળાએ બે બાઇક પર આવેલા શખ્સો ફાયરીંગ કર્યુ: જુની અદાવતમાં હત્યા કર્યાની આશંક
વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગોળી ધરબી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. જયારે જૂની અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા હાલ સેવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ કોચરવા ગામના વતની શૈલેષ પટેલ આજે વહેલી સવારે રાતામાં આવેલા મંદિરમાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર મંદિરમાં જઇને દર્શન કરી રહ્યો હતો. જ્યારે શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતુ. આ લોકો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.
ફાયરિંગમાં શૈલેષ પટેલ કારમાં જ ઢળી પડ્યા હતા. તેમને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. આ ઘટના બાદ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યારાઓનું પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.