જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસેથી બાકી લેણા ઉઘરાવવા પીજીવીસીએલની ક્વાયત
વંથલી નગરપાલિકાને પીજીવીસીએલ એ રૂ. બે કરોડથી વધુના બાકી વીજ બિલ ભરવા માટે ૪૮ કલાકનું અલટીમેટ આપેલ છે અને જો ૪૮ કલાકમાં બાકી બિલ ભરવામાં નહિ આપે તો, વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વંથલી નગરપાલિકાનું ઘણા લાંબા સમયથી રૂ. ૨ કરોડ જેવું વીજ બિલ બાકી હતું, અને આ માટે વીજ કંપની દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી, પરંતુ વંથલી નગરપાલિકા દ્વારા આ વીજ બિલ ભરવામાં નહી આવતાં, ગઈકાલે પીજીવીસીએલ દ્વારા વંથલી પાલિકાને એક આખરી નોટિસ પાઠવવામાં આવી છે.
આ નોટીસમાં વીજ કંપનીએ વંથલી નગરપાલિકાને ૪૮ કલાકમાં વીજ ભરી દેવા તાકીદ કરી છે, અને જો સમય મર્યાદામાં બિલ ભરવામાં નહી આવે તો, વીજ કનેકશન કાપી નાખવામાં આવશે તેવી સખત તાકીદ પણ કરવામાં આવી છે.
વંથલી પાલિકાને વીજ કંપની એ નોટિસ પાઠવતા વંથલીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે, અને શાસક ભાજપ તથા વિપક્ષ કોંગ્રેસ દ્વારા સામસામા આક્ષેપો પણ થઈ રહ્યા છે.