હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાની મુરાદ પર પાણી ફેરવતી એલસીબી
જુનાગઢનાં બે યુવાનોનાં ૧૦ દિવસ પહેલા વંથલી પાસે ટ્રક હડફેટે અકસ્માતમાં મોત નિપજયા હતા. જે હત્યાનો બનાવ હોવાનું ખુલતા પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરીને ભેદ ખોલ્યો છે.
જુનાગઢમાં ગલીયાવાડમાં રહેતા ઈસુબ મહમદ સીડા, ફિરોજ બોદુ સીડા અને જાબીર ઉમર સીડા નામના ત્રણ યુવકો ગત ૨૯ એપ્રિલનાં રોજ વંથલીના ટીનમસ ગામે જીયારતમાં ગયેલા હતા ત્યાંથી બપોરે ૨:૩૦ વાગ્યાનાં અરસામાં બાઈક ઉપર ત્રિપલ સવારીમાં પરત જુનાગઢ આવી રહ્યા હતા ત્યારે વંથલી પાસે એક ટ્રક નંબર જી.જે.૧૨ વાય ૮૦૨૬ના ચાલકે બાઈકને ઠોકર મારતા ત્રણેય ફસડાઈ નીચે પડી ગયેલા જેમાં ગંભીર ઈજા થવાથી ઈસુબનું સ્થળ ઉપર અને જાબીરનું સારવાર દરમિયાન મોત નિપજતા વંથલી પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંઘ્યો હતો.
જે બનાવનાં બીજા દિવસે મૃતકનાં પરિવારજનો મહમદ ઈબ્રાહીમ સીડા સહિતનાઓએ પોલીસમાં આ બનાવ અકસ્માતનો નહી પરંતુ પૂર્વ આયોજિત કાવતરું રચીને ડબલ મર્ડર થયાની આશંકા વ્યકત કરી આવેદનપત્ર આપ્યું હતું. જેથી જિલ્લા પોલીસવડા સૌરભસિંઘે બનાવની ગંભીરતા સમજીને તપાસ ડીવાયએસપી સ્મિત ગોહિલને સોંપી હતી.
સાથે એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહિલની ટીમ મદદમાં હતી.પોલીસે વંથલીની સીમમાંથી હત્યાને અંજામ આપનાર હનીફ ઉર્ફે કાદુ ઈબ્રાહીમ સીડા (ગલીયાવાડ), આરીફ ઉર્ફે ભુરો યુસુફ ગંભીર (ભંડુરી), હસન ઉર્ફે લલન ઉમર ગંભીર (બરવાળા)ને અને બીજા બે તાર મહમદ ઉર્ફે તારું ઉમર ગંભીર (બરવાળા), જુસબ ઉર્ફે હુસેન સીડા (ગલીયાવાડ)ને ગલીયાવાડની સીમમાંથી ઝડપી લીધા હતા. પાંચેયની પુછતાછમાં તેમણે જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.