સામુહિક આપઘાતની ઘટના
દંપતી અને બે સંતાનોએ વખ ઘોળ્યું: પુત્રીની હાલત ગંભીર: ગૃહ કલેશની શંકાએ પોલીસ તપાસનો ધમધમાટ: એક સાથે ત્રણ અર્થી ઉઠતા ગામ શોકમગ્ન
પાષણ હૃદયના માનવીનું પણ હૃદય દ્રવી ઊઠે તેવી દુ:ખદ અને અરેરાટી ભરી ઘટના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાતલપુર ગામની વાડી વિસ્તારમાં બની છે. અહીં સાતલપુર ગામના એક સુખી, સમૃદ્ધ પરિવારે સામૂહિક ઝેરી પી લેતા ઘરનાં મોભી, તેની પત્ની અને પુત્રનું મોત થયું છે. જ્યારે તેની દીકરી ગંભીર હાલતમાં જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ ઘટના બાદ આજે સવારે સાંતલપુર ગામમાંથી પરિવારના ત્રણ લોકોની એક સાથે સ્મશાન યાત્રા નીકળતા કાળજુ કંપાવી નાખે તેવા કરુણ અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ગૃહકલેશની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાતલપુર ગામે ગઈકાલે સાંજે એક ખેડૂત પરિવારના પતિ પત્ની તથા તેના એક પુત્ર અને એક પુત્રી એ સામૂહિક રીતે ઝેર પી લેતા તમામને 108 દ્વારા વંથલી અને ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ ચારેય પૈકી ઘરના મુખધણી એવા વિકાસ રમણીકભાઈ દુધાત્રા (ઉં.વ. 50) તેની પત્ની હીનાબેન (ઉ. વ. 45) તથા પુત્ર મનન (ઉ. વ. 12)) નું પ્રાણ પંખીરૂ ઉડી ગયું હોવાનું તબીબો એ જાહેર કર્યું હતું. જ્યારે 17 વર્ષની દીકરી હેપીની હાલત ગંભીર હોય તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. અને બાદમાં ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
વંથલીના સાતલપુર ગામે બનેલ આ કરુણ ઘટના ગઈકાલે બપોર બાદ બન્યાની જાણ થતાં ગામના સરપંચ વિપુલભાઈ કાપડિયા, ગામના આગેવાનો, કેશોદ ડિવાઈએસપી, વંથલી પીએસઆઇ સહિતનો સ્ટાફ જુનાગઢ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને તે સાથે જ આ સામૂહિક આત્મહત્યા પાછળના કારણની શોધ માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ સાતલપુરના ખેડૂત પરિવારના ચાર સભ્યોએ કયા કારણોસર સામૂહિક રીતે ઝેરી દવા પી લીધી તે અંગે હજુ કોઈ ઠોસ બાબતો સામે આવી નથી, ત્યારે પોલીસે આ સામૂહિક આત્મહત્યા પ્રકરણમાં વિવિધ દિશામાં તપાસ આદરી હોવાનું પોલીસ દ્વારા જણાવાય રહ્યું છે.
અતિ દુ:ખદ એવી સાતલપુરની આ ઘટના અંગે અબ તક ને સાતલપુર ગામના સરપંચ વિપુલભાઈ કાપડીયા એ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે વિકાસભાઈ દુધાત્રા, ગામના લોકોને મળ્યા પણ હતા અને લોકોના જણાવ્યા મુજબ ત્યારે તેમના ચહેરા પર કોઈ એવી બાબત જણાતી ન હતી, બાદમાં તેઓ વાડીએ ગયા હતા, ત્યાર પછી એક વાત મુજબ તેમનો દીકરો મનન ધોરાજી તાલુકાના વાડોદર ગામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો તેમને તેઓ લઈ આવ્યા હતા અને દીકરાને ગામની સીમમાં આવેલ વાડીએ જ રાખ્યો હતો. ત્યારબાદ બંને પતિ પત્ની જૂનાગઢ ખાતે તેમની દીકરી હેપી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેને પણ તેડી લાવ્યા હતા અને બાદમાં બપોર પછી વિકાસભાઈ રમણીકભાઈ દુધાત્રા તેમની પત્ની હીનાબેન, પુત્રી હેપી અને પુત્ર મનને એકી સાથે સામૂહિક રીતે ઝેર પી લીધુ હતું.
એકીસાથે એક પરિવારના ત્રણ સભ્યોની અંતિમયાત્રા યોજાતા સૌ કોઈની આંખ ભીની થઈ ગઈ
ગઈકાલે સાતલપુર ગામની સીમમાં વાડીએ બનેલ આ ઘટનામાં દુધાત્રા પરિવારના વિકાસભાઈ તેમની પત્ની હીનાબેન અને પુત્ર મનનનું મૃત્યુ થતાં આજે વહેલી સવારે તેમની અંતિમયાત્રા સાતલપુર ગામે નીકળી હતી અને તેમની અંતિમવિધિ જુનાગઢના દામોદર કુંડ ખાતે આવેલી સ્મશાન ખાતે કરવામાં આવી હતી. ત્યારે ગામ સુમસાન ભેંકાર ભાસી રહ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ સમશાન યાત્રામાં ભારે હૃદયે અને કલપાંત સાથે જોડાયા હતા. તો પરિવારજનોમાં પણ હૈયાફાટ રૂદન અને કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
સુખી, સમૃદ્વ પરિવારમાં કંઇ અઘટીત ઘટના ઘટી તે અંગે તપાસનો ધમધમાટ
સાતલપુરના દૂધાત્રા પરિવારના રમણીકભાઈ દુધાત્રાને 35 થી 40 વીઘા જમીન છે અને તેમનો એક દીકરો કચ્છમાં નોકરી કરતો હોવાથી ત્યાં પરિવાર સાથે રહે છે. જ્યારે વિકાસભાઈ સાતલપુર ગામે રહી ખેતી સંભાળતા હતા. વિકાસભાઈને બે દીકરી અને એક દીકરો છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયેલ છે, અને નાની દીકરી હેપી તથા દીકરો મનન હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે સાતલપુરના સુખી, સમૃદ્ધ પરિવારમાં કઈ અઘટીત બાબત બની હતી જેના કારણે પરિવારના ચારેય સભ્યોએ ઝેરી દવા ગટગટાવી તે પોલીસ તપાસનો વિષય બન્યો છે.
મિત્રને ફોન કરી ઝેરી દવા પીધી હોવાની જાણ કરી
આ ગોઝારી ઘટના અંગે ગામ લોકોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઝેરી દવા પી આપઘાત કરી લેનાર વિકાસભાઈએ ગઈકાલે બપોર બાદ પોતાના પરિવારે ઝેરી દવા પી લીધી છે તેવી તેના મિત્ર પ્રતિક સાવલિયા ને ફોન કરી જાણ કરી હતી. જેથી પ્રતિકભાઈ સહિતના ગામના લોકો વાડીએ પહોંચ્યા હતા અને પ્રથ વંથલી અને ત્યાંથી ચારૈયા લોકોને જુનાગઢ ખાતે 108 મારફત સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ દીકરી હેપી સિવાય વિકાસભાઈ, હીનાબેન અને તેના પુત્ર મનનને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.w