ત્રણ શખ્સોએ કોન્ટ્રાકટરના રૂ.13.22 લાખ ન ચૂકવતાં આધેડે જીવન ટૂંકાવ્યું
અબતક રાજકોટ
જૂનાગઢના લેબર કોન્ટ્રાકટરની નીકળી મૂડી કુતિયાણાના અને પોરબંદરના કોન્ટ્રાક્ટરે ન ચૂકવતાં આખરે વંથલી પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેમાં પોલીસે જપ્ત કરેલી લેબર કોન્ટ્રાકટરની સ્યુસાઇડ નોટ પરથી વંથલી પોલીસે ત્રણ શખ્સો સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથઘરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં મંગળ ધામ – 2માં રહેતા અને લેબર કોન્ટ્રાકટરનું કામકાજ કરતા દિલીપભાઈ ઘેલાભાઈ મેવાડા નામના આધેડે ગત તા.1લી ઓગષ્ટના વંથલી પાસે જેતપુર તરફ બનતા બાયપાસ પાસે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.
ઘટનાની જાણ થતાં તુરંત વંથલી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસને મૃતક દિલીપભાઈની એક્ટિવા માંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેના આધારે ઘટના અંગે મૃતક દિલીપભાઈ મેવાડના પત્ની કંચન બેને વંથલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કંચન બેને નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના પતી દિલીપભાઈએ કુતિયાણાના કેતન ક્ધટ્રક્શનના માલિક કેતન વેજા મોડેદરા અને પોરબંદરના જયેશ બોખીરીયા અને નિલેશ બોખીરીયાના લેબર કોન્ટ્રાક્ટ રાખ્યા હતા.
દિલીપભાઈએ લખેલી સ્યુસાઈડનોટમાં કેતન ક્ધસ્ટ્રક્શનના માલિક કેતન મોડેદરા પાસેથી રૂ.9,62,000 લેબર કોન્ટ્રાકટના લેવાના બાકી નીકળતા હતા. જ્યારે પોરબંદરના જયેશ બોખીરીયા અને નિલેશ બોખીરીયા પાસે રૂ.3,60,000 બાકી નીકળતા હતા.
આ ત્રણેય શખ્સો દિલીપભાઈના પૈસા ચૂકવતાં ન હોય અને અવારનવાર પજવણી કરતા હોય તથા તરે કામ કરવું હોય તો કાર નહિતર માલસામાન પણ નહિ મળે તેવી ધાકધમકી આપતા હતા. જેથી દિલીપભાઈ ગત તા.1લી ઓગષ્ટના ઘરેથી મજૂરીના પૈસાની ઉઘરાણી કરવા જવાનું કહીને નીકળી ગયા બાદ વંથલી પાસેથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા બાદ તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.
જેથી મૃતક દિલીપભાઈના પત્ની કંચનબેનએ વંથલી પોલીસમથકમાં કેતન મોડેદરા, જયેશ બોખીરીયા અને નિલેશ બોખીરીયા સામે ફરિયાદ નોંધાતા પોલીસે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.