- રૂા.4.49 લાખ રોકડા, બે કાર, નવ મોબાઇલ અને 42 નંગ ઘોડી પાસા મળી રૂા.15.42 લાખનો મુદામાલ કબ્જે
- જુગાર કલબ સંચાલક મહિલા અને વાડી માલિક ફરાર: દસની ધરપકડ
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ગાદોઇ ગામની સીમમાં કેશોદની મહિલા સહિત ત્રણ શખ્સોએ ઘોડીપાસાની જુગાર કલબ શરૂ કરી હોવાની બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો દસ શખ્સોને રૂા.15.42 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. દરોડા દરમિયાન વાડી માલિક અને જુગાર કલબ સંચાલક મહિલા ભાગી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદના મીણીબેન ચનાભાઇ ઓડેદરા, લાખા દેવરાજ મોરી અને ખીમા કાના રાઠોડ નામના શખ્સોએ ગાદોઇના આદમ હાસમ સીડાની વાડીમાં ઘોડી પાસાની જુગાર કલબ ચલાવતા હોવાની જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. વી.કે.ઉંજીયા, હેડ કોન્સ્ટેબલ બી.કે.મુછાળ અને પ્રકાશભાઇ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.
ગોદાઇ ગામની સીમમાં આમદ હાસમ સીડાની વાડીમાં જુગાર રમતા માણાવગરના બહાદુર તારમહંમદ દલ, કેશોદના ધનસુખ જેરામ હીરપરા, વેરાવળના જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિરજી વધાવી, બાટવાના પરેશ જમીયત દલાણી, કેશોદના વૃંદાવન પ્રભુદાસ તન્ના, ગોવિંદપરાના સીદીક રહેમાન બેલીમ અને વેરાવળના સુર્યકાંત નાનાલાલ સવાણી નામના શખ્સને રૂા.4,49,160ની રોકડ, નાલના રૂા.12,500સ રૂા.81 હજારની કિંમતના નવ મોબાઇલ અને રૂા.10 લાખની કિંમતની બે કાર મળી રૂા.15.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસના દરોડા દરમિયાન જુગાર કલબ સંચાલક મીણીબેન ચનાભાઇ ઓડેદરા, લાખા દેવરાજ મોરી, ખીમા કાના રાઠોડ અને વાડી માલિક આમદ હાસમ સીડા ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.