24 કલાક શુદ્ધ પાણીની વ્યવસ્થા, છેલ્લા 10 વર્ષમાં એક પણ પાણીજન્ય રોગનો કેસ નહીં : ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ ગામ અગ્રેસર
આંગણવાડીથી લઈ પ્રાથમિક શાળાની સુવિધા ધરાવતા ગામમાં પંચાયતનો વહીવટ સંપૂર્ણપણે ડીજીટલ
પડધરીનું વણપરી ગામ છેલ્લા 35 વર્ષથી સમરસ થવાની સાથે ભાઈચારાનું દ્રષ્ટાંત આપી રહ્યું છે. ગામના આગેવાનોની સૂઝબૂઝના લીધે આ ગામ વિકાસ અને સુવિધાને લઈને ખરા અર્થમાં આદર્શ ગામ બન્યું છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, ભારતના ગામડાઓને ખરા અર્થમાં સુવિદ્યાસભર બનાવવા માટેના પ્રયાસો હવે સાર્થક બનવા લાગ્યા છે. આવા જ એક ગામ પડધરીના વણપરીમાં 35 વર્ષથી સમરસ પંચાયતી શાસનની સાથે સાથે આધુનિક સુવિધાઓના સમન્વયે ગામને ખરા અર્થમાં આદર્શ બનાવ્યું છે.
પડધરીના વણપરી ગામમાં છેલ્લા 35 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવાની જરૂર પડી નથી. ગામમાં સમરસતાથી 35 વર્ષથી સુખરૂપ શાસન ચાલે છે. પડધરી નું વણપરી ગામ સમરસતાની સાથે સાથે સુખ સુવિધા અને ટેકનોલોજીના સમન્વયનું ખરા અર્થમાં જવલંત ઉદાહરણ બની ગયું છે, ગામની સુવિધાઓની વાત કરીએ તો ગામમાં 24 કલાક આરો ફિલ્ટર કરેલું પાણી મળે છે. આખા ગામમાં ભૂગર્ભ ગટર અને ગામમાં શેરીએ શેરીએ પેવર બ્લોક છે. દસ વર્ષ પહેલાં આઈઓસીએલ તરફથી રાજકોટ જિલ્લાના બે ગામોને આપેલ શુદ્ધ પાણી માટેના આરઓ ફિલ્ટર પ્લાનનું વણપરીમાં ખુબ જ સારી રીતે મેન્ટેન કરવામાં આવે છે.
વણપરીમા 40 વર્ષથી 24 કલાક જ્યોતિગ્રામની વીજળી ઝળહળે છે. શુદ્ધ પાણીના વિતરણના લીધે ગામમાં દસ વર્ષમાં એક પણ પાણીજન્ય રોગચાળાની બીમારીનો કેસ નોંધાયો નથી. પંચાયત દ્વારા દરરોજ ગામને ચોખ્ખું કરવામાં આવે છે. આંગણવાડીથી લઈ પ્રાથમિક શાળાની સુવિધા ધરાવતા ગામમાં પંચાયતનો વહીવટ સંપૂર્ણપણે ડીજીટલ ધોરણે થાય છે. જરૂરિયાત મંદોને સો ટકા આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રાથમિક શાળાનો એસઓઇમાં પણ સમાવેશ થયો છે અને શાળામાં વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર વણપરીનો એક વિદ્યાર્થી ગયા વર્ષે પીએસસીની પરીક્ષામાં પાસ થઈ ગામનું ગૌરવ બન્યો હતો. વણપરી સો ટકા ખેતીપ્રધાન ગામ હોવા છતાં કોઈને રોજગારી માટે બહાર જવું પડતું નથી ,અને મોટા ખેડૂત ખાતેદારોના કારણે ગામમાં જ રોજગારી સાથે સમૃદ્ધિનો વાસ છે. વણપરીમા ખેતીની સાથે સાથે પશુપાલન ઉદ્યોગ પણ ખૂબ જ વિકાસ પામ્યો છે. દૂધ ઉત્પાદનમાં પણ વણપરી મોખરે છે અને ગામમાં મહિલા મંડળ સંચાલિત દૂધ મંડળી ચોખા દૂધની સાથે સાથે સારી કામગીરી અને આવક મેળવે છે.
ગામમાં હજુ પણ નવા વિકાસકામો કરાવવા સૌ પ્રયત્નશીલ : પીન્ટુભા જાડેજા
વણપરી ગામના આગેવાન પીન્ટુભા જાડેજાએ જણાવ્યું કે વણપરી ગામ વિકાસનું પર્યાય બન્યું છે. ગામની એકતા પણ દ્રષ્ટાંતરૂપ છે. ગામમાં 24 કલાક શુદ્ધ પાણીની વ્યવસ્થા, ભુગર્ભ ગટર, પેવર બ્લોક સહિતની સુવિધાઓ છે. હજુ પણ ગામમાં ઘણા વિકાસના કામો કરવાના છે. નવી શાળા, નવું પંચાયત બિલ્ડીંગ બનાવવાનું છે. ગ્રામજનો સૌ સાથે મળી ગામના વિકાસમાં ફાળો આપે છે.
ફિલ્ટર પ્લાન્ટ ના પાણીથી ગામ સંપૂર્ણપણે રોગથી મુક્ત રહ્યું: દિગ્વિજયસિંહ જાડેજા
અમારું વણપરી ગામ આદર્શ ગામ તરીકે પ્રખ્યાત છે તમામ સુવિધા ધરાવતા ગામમાં આરોનું પાણી મળતું હોવાથી ગામનું આરોગ્ય સારું છે સરપંચ સહિતના આગેવાનો ગામનું બરાબર ધ્યાન રાખે છે વણપરી ગામ ખરા અર્થમાં આદર્શ ગામ છે તેનું અમને ગૌરવ છે.
ગામની એકતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. દરેક તહેવારો હોયકે સારા પ્રસંગો હોય કે પછી દુ:ખદ પ્રસંગ હોય ગામ આખુ ભેગુ જ હોય છે.
વણપરી ગામમાં શિક્ષણની સાથે સાથે વિકાસના કામો સંતોષજનક રીતે થાય છે: અભિજીત સિંહ જાડેજા
વણપરી ના સામાજિક આગેવાન અભિજીતભાઈ જાડેજાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વણપરી ગામ 35 વર્ષથી સમરસ રહે છે ગામની શાળામાં છાત્રોની સંખ્યા 140 છે આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે ગામની શાળાનો હજુ વિકાસ કરવાનો છે ગામના સરપંચ સહિત આગેવાનો વિકાસ માટે પ્રતિબધ છે ગામમાં તમામ જ્ઞાતિના લોકો સંપીને રહે છે હજારની વસ્તી નું આ ગામ એક કુટુંબની જેમ રહે છે અમને અમારા ગામના સંપ નું ગૌરવ છે
વણપરી ગામ સમરસતાની સાથે સાથે સંપથી રહેનારું ગામ છે : અજીતભાઈ જારીયા
વણપરી ગામના સામાજિક આગેવાન અજીતભાઈ જારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારું ગામ સમરસતાની સાથે સાથે સંપથી રહેનારું ગામ છે 35 વર્ષથી ચૂંટણી થઈ નથી પણ અમારા સરપંચ હઠીસિંહ જાડેજા ગામના વિકાસમાં ખૂબ જ મહેનત કરે છે અને સંસ્થા સાથે સંકળાયેલા હઠીસિંહજી ગામના વિકાસમાં સંતોષજનક કામ કરે છે ગામમાં તમામ પ્રકારની સુવિધા અને ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ છે ગામ લોકો માટે વણપરી ગામ ગૌરવ રૂપ છે