નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 ના આચાર્ય વનિતાબેન રાઠોડની પસંદગી છત્તીસગઢમાં યોજાનાર રાષ્ટ્રીય સ્તરીય સંગોષ્ઠિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે થયેલી છે. છત્તીસગઢ ગવર્મેન્ટ દ્વારા તારીખ 14 અને 15 નવેમ્બરે રાયપુર ખાતે યોજાનાર વૈશ્વિક શૈક્ષણિક સંમેલનમાં ભારત દેશભરમાંથી 51 ઇનોવેટિવ ટીચર્સ અને શિક્ષણવિદો ભાગ લેવાના છે. આ સંમેલનમાં ગુજરાતમાંથી બે શિક્ષકો ની પસંદગી થઈ છે તથા તેમને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ સંમેલનમાં હાલમાં જ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાળા નંબર 93 આચાર્ય વનિતાબેન રાઠોડને શૈક્ષણિક વિઝન 2030 અન્વયે તેમના વિચાર તથા તેમણે કરેલા શિક્ષણમાં કોરોના સમય કાળ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃતિઓ તથા શાળા વિકાસ અને લાયબ્રેરી વિકાસ માટે તેમણે કરેલા તેમના ઇનોવેટિવ કાર્યને રાયપુર ખાતેના સંમેલનમાં દેશ સમક્ષ તથા તેમના કાર્ય બીજા રાજ્યની શાળાઓને શી રીતે મદદરૂપ થઇ શકે તેની પ્રસ્તુતિ તેમના દ્વારા થવાની છે.
વનિતાબેન રાઠોડ શાળા કક્ષાએ વિવિધ નવતર પ્રયોગ કરતા રહે છે. કોરોના કાળમાં જ્યારે શાળાઓ બંધ હતી. વનિતાબેન દ્વારા તેમની શાળાનાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી હતી. ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી.
તેમણે પોતાની યુ ટ્યુબ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને વેદિક ગણિત, વાર્તાઓ, જાણવા જેવું, દૈનિક વિશેષ જેવી બાબતોને મોકલ્યા હતા. કોરોના કાળમાં શાળા લાયબ્રેરીનાં પુસ્તકો બાળકોને ઘરે ઘરે પહોંચાડ્યા હતાં. વિદ્યાર્થીઓને પુસ્તક વાંચીને પુસ્તકસાર રજૂ કરવા જણાવ્યું હતું. જે વિદ્યાર્થીઓનાં બુક રીવ્યુ યુ ટ્યુબ ચેનલ દ્વારા અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત બાળકોની સર્જનાત્મકતા વિકસાવવા તેમણે દર અઠવાડિયે એક ટાસ્ક બાળકોને સોંપ્યું. જેમા વૈજ્ઞાનિક રમકડાં, ઈકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી. તથા આસનો, દિવા અને ગરબા શણગાર, કલાત્મક વસ્તુઓ બનાવતાં શીખવ્યું. વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
એમની આ કામગીરીની નોંધ ભારત સરકાર દ્વારા લેવામાં આવી છે ઉપરાંત અન્ય રાજ્ય સરકાર દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. તેમને છતીસગઢ સરકાર દ્વારા મળેલ આમંત્રણ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર અને કેળવણી નિરિક્ષક ડો. પૂર્વીબેન ઉચાટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા સમિતિનાં તમામ સભ્યોએ , સી. આર. સી પ્રકાશભાઈ ચાવડા, યુઆરસી શૈલેષભાઈ ભટ્ટ, દિપકભાઈ સાગઠીયાએ અભિનંદન પાઠવ્યા છે.