જુની અદાવતના કારણે થયેલી ઝપાઝપીમાં નામચીન શખ્સની પિસ્તોલ અને કાર્ટુસ પડી ગયા: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

વાંકાનેરના જેતપરડા ગામે લગ્નપ્રસંગમાં માથાકુટ થતા ગેરકાયદે પિસ્તોલમાંથી ફાયરીંગ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ માથાકુટમાં એક યુવાનને છરી ઝીંકવામાં આવી હતી. આ ગુન્હાના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

જેતપરડા ગામે રવજી ઉર્ફે સીકલો રણજીતભાઈ સીતાપરાના ભાઈના લગ્ન હોય તેમાં મોરથરા ગામના નવઘણ વેરશી દેગામાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેને બાબુ કરશન માલકીયા સાથે માથાકુટ થઈ હતી. આ માથાકુટનો ખાર રાખી રાત્રીના બે વાગ્યે જેતપરડાથી જાલી જતા રોડના પુલ પાસે નવઘણ સહિતના શખ્સોએ દારૂ પીધેલી હાલતમાં બાબુ કરશન માલકીયાને અટકાવી તેને છરી ઝીંકી દીધી ફરાર થઈ ગયા હતા.

ઝપાઝપી દરમિયાન ઘટનાસ્થળે જ નવઘણની પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ પડી ગયા હતા. આ અંગેની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ બાબુને હોસ્પિટલે ખસેડયો હતો. બાબુની ફરિયાદના આધારે પોલીસે નવઘણ સહિતના આરોપીની શોધખોળ શરૂ કરી તેને તેના મોરથરા ગામે આવેલા ઘેરથી જ ઝડપી લીધો હતો. પોલીસે પિસ્તોલ અને કાર્ટીસ સહિતના હથિયારો કયાંથી લાવ્યો તે સહિતની દિશામાં તપાસ હાથધરી છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી.ઝાલાએ જણાવ્યું હતું કે, પકડાયેલો નવઘણ વેરશીભાઈ દેગામા આ પહેલા હત્યાની કોશીશ, મારામારી સહિતના આઠ ગુનામાં સંડોવાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.