રિસામણે ગયેલી પુત્રવધૂને આહિર શખ્સ સાથે જોઇ જતા વૃધ્ધે એસિડ પી જીવન ટૂંકાવ્યું
મોટા મવાના સ્મશાન પાસે અમરનાથ પાર્કમાં રહેતા વિપ્ર વૃધ્ધે વિરડા વાજડીના આહિર શખ્સના ત્રાસથી કંટાળી એસિડ પી કરેલા આપઘાત અંગે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. મૃતકની પુત્રવધુ રિસામણે ગયા બાદ તેને તેડવા ગયેલા વૃધ્ધે વિરડા વજડીના આહિર શખ્સ સાથે જોઇ જતા આપઘાત કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
મોટા મવા અમરનાથ પાર્કમાં રહેતા રાજેન્દ્રભાઇ જયશંકર વ્યાસ નામના ૭૫ વર્ષના વિપ્ર વૃદ્ધે કણકોટના પાટીયા પાસે ગત તા.૭ જુને એસિડ પી લેતા તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
મૃતક રાજેન્દ્રભાઇ વ્યાસના બે પુત્ર પૈકી મોટા પુત્ર જીજ્ઞેશભાઇ વ્યાસે ૧૫ વર્ષ પહેલાં દક્ષા પ્રજાપતિ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બે માસ પહેલાં જીજ્ઞેશભાઇ વ્યાસ બાલાજી વેફર્સનો ટ્રક લઇને ઇન્દોર ગયો હતો ત્યારે ફોનમાં દક્ષા સાથે ઝઘડો થયો હતો.
જીજ્ઞેશભાઇ વ્યાસ ટ્રક લઇને રાજકોટ આવ્યો ત્યારે પત્ની દક્ષા પોતાના પુત્ર અને પુત્રીને છોડીને રિસામણે કણકોટ માતાને ત્યાં જતી રહી હતી. પત્ની દક્ષાને સમજાવવા છતાં તે પરત ન આવતા પિતા રાજેન્દ્રભાઇ અને પૌત્ર માધવ સાથે કણકોટ ગયા હતા ત્યારે દક્ષાને વિરડા વાજડીના કલ્પેશ ડાંગર સાથે જોઇ ગયા હતા.
રાજેન્દ્રભાઇ વ્યાસે પોતાની પુત્રવધૂને સમજાવી ત્યારે કલ્પેશ ડાંગરે તેણીનું ઉપરાણું લઇ વયોવૃધ્ધ રાજેન્દ્રભાઇ ડાંગરે ઝઘડો કરી ધમકી દેતા તેઓએ ત્યાં જ એસિડ ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું.
તાલુકા પોલીસે જીજ્ઞેશભાઇ વ્યાસની ફરિયાદ પરથી વિરડા વાજડીના કલ્પેશ ડાંગર સામે રાજેન્દ્રભાઇ વ્યાસને આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે.