ગઇ બુધવારની ભાંગતી રાત્રે ભવનાથ વિસ્તારમાં બે સિંહોએ એક ગાય ઉપર હુમલો કરી દીધો હતો, જો કે, સદનસીબે ગાય બચી ગઇ હતી, પરંતુ ગંભીર રીતે ઘવાતા અને લોહી લુહાણ થઈ જતા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વરસતા વરસાદમાં સારવાર આપતા ગાય માતાનો જીવ બચી ગયો હતો.
બુધવારની રાત્રિએ બે સિંહો ભવનાથ વિસ્તારમાં આવી ચડાયા હતા અને એક ગાય ઉપર હુમલો કરી દીધો હતો, ત્યારે ગાય એ પણ સિંહના હુમલાથી બચવા પ્રયત્ન કર્યા હતા, તે દરમિયાન રોડ ઉપર નીકળતા લોકોએ હાકલા પડકારા અને વાહનોના હોર્ન ચાલુ કરી દઈ, સિંહને ભગાડતા ગાય સિંહોના શિકાર બનતા બચી ગઈ હતી, પરંતુ ગંભીર રીતે ઘવાઈ હતી અને લોહી લુહાણ થઈ જવા પામી હતી. સિ
તે દરમિયાન આ ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદને ફોન દ્વારા વિગતો મળતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ડો. વિકીભાઈ, ભાવેશ જેઠવા, દિપતેસિંહ ચૂડાસમા, હાર્દિકભાઈ મણિયાર, રોહીતભાઈ સોલંકી, તન્મયભાઈ ચોલેરા સહીતના ગૌરક્ષા ટીમના કાર્યકર્તાઓ ભવનાથ દોડી ગયા હતા અને ઘવાયેલી ગાયની વરસતા વરસાદમાં સારવાર કરી એક ગાયનો જીવ બચાવ્યો હતો. બુધવારે ભવનાથ ક્ષેત્રમાં બે સિંહોએ ગાય પર કરેલા આ હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર થવા પામ્યો હતો અને સારવાર કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનો પણ વીડિયો વાયરલ થતાં ગૌ પ્રેમીઓમાં વિશ્વ હિંદુ પરિષદની આ કાર્યવાહીની ભારે પ્રશંસા થઈ રહી છે.