૨૦ મિનિટનાં બદલે ૬૦ મિનિટ પાણી ચાલુ રહેતા લતાવાસીઓ આશ્ર્ચર્યચકિત જલજીત અને દ્વારકાધીશ સહિતની સોસાયટીઓમાં ઘણા દિવસથી પાણીનાં ધાંધીયા
એક તરફ મહાપાલિકા શહેરીજનોને પાણી બચાવવા માટેની સલાહ આપી રહી છે તો બીજી તરફ યોગ્ય વ્યવસ્થાનાં અભાવે ખુદ તંત્ર દ્વારા જ મહામુલા પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નં.૧૨માં પેટા વાલ્વ ખોટવાઈ જવાનાં કારણે આજે દ્વારકાધીશ સોસાયટીમાં ૨૦ મિનિટનાં બદલે ૧ કલાક સુધી પાણી વિતરણ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વોર્ડની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસથી પાણીનાં ધાંધીયા સર્જાયા છે. પુરા ફોર્સથી અને પુરું ૨૦ મિનિટ પાણી મળતું ન હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં વોર્ડ નં.૧૨માં ગોકુલધામ સોસાયટીની બાજુમાં આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં ૨૪૦ જેટલા મકાનો આવેલા છે. અહીં રોજ સવારે ૮:૨૦ કલાકે પાણી વિતરણ કરવામાં આવે છે. આજે સવારે સોસાયટીની શેરી નં.૧ અને ૨માં પેટાવાલ્વ પુરો બંધ ન થવાના કારણે ૨૦ મિનિટનાં બદલે ૬૦ મિનિટ પાણી વિતરણ કરવામાં આવતા લતાવાસીઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા. ઘરનાં પાણીનાં ટાંકા છલકાયા બાદ પાણી રોડ પર ચાલવા માંડયું હતું જો મેઈન લાઈનનો વાલ્વ બંધ કરી રીપેરીંગ શરૂ કરવામાં આવે તો આખી સોસાયટી અને આસપાસનાં વિસ્તારોમાં પાણી વિતરણ પણ અસર પડે તેમ હોવાનાં કારણે ૨૦ મિનિટનાં બદલે મહાપાલિકા દ્વારા ૧ કલાક પાણી વિતરણ ચાલુ રાખી રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.
વોર્ડ નં.૧૨માં દ્વારકાધીશ અને જલજીત સહિતની અનેક સોસાયટીઓમાં છેલ્લા એક પખવાડિયાથી પાણીનાં ધાંધીયા જોવા મળી રહ્યા છે. અહીં નિયમિત ૨૦ મિનિટ કે પુરતા ફોર્સથી પાણી આપવામાં ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.