આગળ મતિ વાણિયો અને પાછળ મતિ ! ઘસાતો વાણિયો અને બુઝાતો દિવો વધારે ઝગારા મારે..! આપણા બાપ-દાદા આ બે કહેવત મુકીને ગયા છે. આમેય તે આપણી વર્ણ વ્યવસ્થામાં વાણિયાને વેપાર કરવાનું એટલા માટે કહેવાયું હતું કે આ કોમમાં વર્ષનાં અંતે જમા-ઉધાર પારખવાની જબરી કુનેહ હતી. એટલે જ વાણિયા વેપારમાં ભાગ્યે જ ખોટ કરતા. સમય બદલાયો અને વ્યવસાયમાં બ્રાન્ડનું મહત્વ વધ્યું.

સમય એવો આવ્યો કે જ્યારે કોઇ કંપનીને વેચવાની વાત આવે ત્યારે તેની બેલેન્શીટની સાથે તેની બ્રાન્ડ વેલ્યુની પણ ગણતરી થવા માંડી. હવે મુદ્દાની વાત ઉપર આવીઐ આજ કાલ મુડીબજાર માંથી વિવિધ પ્રકારનાં ભરણા દ્વારા નાણા એકત્રિત કરવાનો પ્રવાહ ચાલ્યો છે. ત્યારે રોકાણકારે ખરેખર શું ધ્યાનમાં રાખવું જોઇએ. માત્ર રોકાણકારે જ નહીં વેપારીઐ પણ..! આ બે મુદ્દાને કોર્પોરેટ વર્લ્ડમાં વેલ્યુએશન તથા પ્રોફીટેબિલીટી શબ્દોથી જુદા પાડવામાં આવે છે.

ઉદાહરણ જોઇએ તો ફ્લીપકાર્ટ કંપનીએ નાણાકિય વર્ષ 2020 નાં અંતે તેના રેવન્યુમાં 32 ટકાનો વધારો કર્યો પણ તેનું નુકસાન વધીને 1950 કરોડ રૂપિયા થઇ ગયું..! અહીં કંપનીનું વેચાણ વધ્યું, કદાચ બ્રાન્ડ વેલ્યુ પણ વધી પણ પ્રોફિટ નહીં. આવી તો અનેક સ્ટાર્ટઅપ કંપનીઓનાં ભારતીય શેર બજારમાં લિસ્ટીંગ થયા છૈ જેની બેલેન્સશીટ રેડ ઝોનમાં છે છતાંયે તેની વેલ્યુએશન હજારો કરોડમાં થાય છે. ઝોમેટોનો માર્ચ-2020 નાં અંતે રેવન્યુ 350 મિલિયન ડોલરનો હતો. પણ તેનું નુકસાન પણ રેવન્યુ જેટલું જ હતું. એજ વર્ષે સ્વીગીનો રેવન્યુ 370 મિલિયન ડોલરનો હતો જ્યારે તેનું નુકસાન 502 મિલિયન ડોલરનું હતું.માર્કેટનાં મહારથી રાકેશ ઝુનઝુનવાલાએ ઝોમેટો અને ટેસ્લા જેવી કંપનીઓનાં શેરમાં રોકાણ કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી તેનું કારણ શું હતું?

એમના મતે લાખો અને કરોડો વિદેશી ડોલરનું વિદેશી મુડીરોકાણ લાવીને કંપનીની બ્રાન્ડ સ્થાપિત કરવા માટે પરસેવો પાડતા માલિકોની કંપનીઓમાં નાણા રોકવાને બદલે ભલે વેલ્યુએશન ઓછી હોય પણ સાંજ પડ્યે રોકડા ઉભા કરતી કંપનીમાં રોકાણ કરવામાં વધારે લાભ છે.  આ એક એવું પરંપરાગત બિઝનેસ મોડેલ છે જેમાં કંપની જો ઉત્પાદન કે ખરીદ કિંમત 100 રૂપિયા રાખી શકતી હોય તો તે તેની પ્રોડક્ટ 110 રૂપિયે કે કમ સેકમ 100 રૂપિયાથી વધારે ભાવે વેચતી હોય છે અને વર્ષાંતે તેના ચોપડામાં જમા દેખાતી હોય છૈ. જો તેનું વેચાણ વધે તો તેની જમા વધતી જાય છે. જેને આપણે પ્રોફીટેબિલીટી મોડેલ કહીએ છીએ.

21 મી સદીના પ્રારંભે વૈશ્વિક બજારોમાં અને તેના પગલે ભારતમાં દોઢ દાયકામાં બિઝનેસનું વૈલ્યુએશન મોડેલ પ્રચલિત થઇ રહ્યું છે. જેમાં નાની કંપનીનાં માલિક નવા ક્ધસેપ્ટ સાથે માર્કેટમાં એન્ટ્રી કરે છે, શરૂઆતમાં નુકસાન વેઠીને પણ બજારમાં પોતાનો હિસ્સો વધારે છૈ એટલું જ નહી જાહેરાતો અને પ્રલોભનો દ્વારા કંપનીનું નામ લોકમુખે ચર્ચાતું થયા છે. પછી કોઇ મોટા રોકાણકારને શોધીને આ આખું મોડેલ વેચી દેવામાં આવે છે. આવી કંપનીઓ મોટે ભાગે 100 રૂપિયાની પડતર કિંમત વાળી પ્રોડક્ટ 90 રૂપિયા કે 100 રૂપિયાથી ઓછા ભાવે વેચી કંપનીનું વેચાણ વધારે છે પરંતુ વર્ષાંતે કંપનીની બેલેન્સશીટ ઉધારમાં અર્થાત નુકસાનીમાં રહેતી હોય છે.

આવી કંપનીઓ જેમ તેમનું વેચાણ વધારે તેમ તેનુ નુકસાન વધે છૈ. આ બિઝનેસ મોડેલ હંમેશા ખોટું હોય છૈ એવું પણ નથી. કંપનીના માલિક આ નુકસાનને કંપનીની બ્રાન્ડ અને વેલ્યુએશન ઉભી કરવા માટે કરાયેલું ઇન્વેસ્ટમેન્ટ ગણતા હોય છે. ત્યારબાદ આ મોડેલને તેઓ કોઇ મોટી કે મલ્ટિનેશનલ કંપનીને વેચીને હજારો કરોડ રૂપિયા ઉભા કરી લેતા હોય છે.  અહીં જોખમ એટલું જ છે કે દરેક ઉભી થયેલી કંપનીની વેલ્યુએશન વધૈ જ એવું નથી આ ઉપરાંત ટેકઓવર કરનારી મલ્ટિનેશનલ કે મોટી કંપની આ કંપનીને નફો રળતી કંપની બનાવી જ દે એવું પણ નથી.    ભારત માટે પણ ફિલ્મની પટકથા તો સમાન જ છે.  હાલમાં શેરબજાર નો સુચકાંક કુદકા મારે છે. નવા આવતા મોટા ભાગનાં આઇ.પી.ઓમાં રોકાણકારો ટૂંકા ગાળે બહુ સારૂં કમાય છે.  2021 માં 18 સ્ટાર્ટઅપ કંપનીઓ એવી આવી છે જે યુનિકોર્ન સ્ટેટસ ( એક અબજ ડોલરથી વધારે વેલ્યુએશન) ધરાવે છે.

હજુ ઘણી એવી કંપનીઓ કતારમાં છે જે આઇ.પી.ઓ દ્વારા મુડી ભેગી કરશે. જેમાં કોઇ ભારતીય કે વિદેશી પ્રાઇવેટ ઇક્વીટી પાર્ટનર મોટાપાયે મુડીરોકાણ કરીને તેની વેલ્યુ વધારશૈ.   ભલે અહીં કદાચ નફાનું તત્વ શોધવા જવું પડશે. આઇ.પી.ઓ બાદ ઝોમેટોની કેપિટલ વેલ્યુ 13 અબજ ડોલરે પહોંચી ગઇ છે. જ્યારે સ્વીગીની 5.50 અબજ ડોલરે પહોંચી છે. જેમાં હાલમાં જ સોફ્ટબેંકે 1.25 અબજ ડોલર લગાવ્યા છે. હજુ આવી કંપનીઓનાં ફુગ્ગા ફૂટ્યા નથી, જો ફુટશે તો રોકાણકારો રાતા પાણીઐ રડશે, પરંતુ જે આ તેજીમાં નીકળી જશે તૈ ટૂંકાગાળામાં માલામાલ થઇ જશે. વી-વર્કનો ઇતિહાસ સૌને ખબર છે.  નોકિયા, યાહુ, કોડાક વિગેરે.. વિગેરે ..યાદી લાંબી છે જ. તમારે ટેસ્ટ મેચ રમવી  છે કે ટી-20 એ તમારે નક્કી કરવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.