• કામ ધંધો ન મળતા બેરોજગાર પતિને છ માસ પહેલાં પત્ની પોતાના સંતાનને તજી પિયર જતી રહી’તી
  • કારમી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચાવવું મુશ્કેલ બનતા પુત્રી અને પુત્રને મોતને ઘાટ ઉતારી ગળાફાંસો ખાધો

કારમી મોંઘવારીમાં ગરીબ અને શ્રમજીવીઓને પરિવારનું ગુજરાન કરવું અતિ કઠીન બની ગયું છે. વલસાડ નજીક કપરાડાના બેકાર યુવકે પરિવારનું ભરણ પોષણ કરવાનું મુશ્કેલ બની જતા અને પત્નીએ પણ પતિ બેરોજગાર પતિનો સાથ છોડી દેતા મોંઘવારીમાં પરિવારનો જીવન નિરવાહ ન થઇ શકતા પોતાના વ્હાલના દરિયા જેવી આઠ વર્ષની પુત્રી અને ફુલ જેવા પાંચ વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા કરી પોતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાય છે.

કરૂણતા સાથે કંપારી છુટે તેવી કમનશીબ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ નજીક આવેલા કપરાડા ગામના પીપરોડી ખાતે રહેતા સંજય ઉર્ફે બોબા ઇડીયા વારલી (ઉ.વ.32), તેની આઠ વર્ષની પુત્રી સંધ્યા અને પાંચ વર્ષના પુત્ર સુરજની તેના મકાનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.

એક જ પરિવારના બે માસુમ બાળકો અને તેના પિતાના મોત અંગે પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં સંજય ઉર્ફે બોબા છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હોવાથી તેની પત્ની સુમિતા પોતાના બે બાળકોને તેના પિતા પાસે છોડી પિયર જતી રહી હતી. કારમી મોંઘવારીમાં બેરોજગાર સંજય ઉર્ફે બોબા માટે પોતાનું અને બંને સંતાનનું ભરણ પોષણ કરવુ મુશ્કેલ હોવાથી પોતે આપઘાતનો પ્લાન બનાવ્યો હતો પરંતુ પોતાની હયાતી ન હોય ત્યારે પોતાના બંને બાળકોની સાર સંભાળ કોણ અને કેવી રીતે કરશે તેવા વિચાર સાથે પોતાના વ્હાલ સોયા પુત્ર અને પુત્રીનું ગળુ દાબી હત્યા કર્યા બાદ મકાનના લાકડાની આડસર સાથે લટકાવી દીધા બાદ બીજી દોરીની મદદથી પોતે પણ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાનું બહાર આવતા કપરાડામાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.