પેલી કહેવત છે ને કે, ‘રામ રાખે તેને કોણ ચાખે.’ કહેવતનો અર્થ એમ થાય કે ‘જેની પર ભાગવાનો હાથ હોય તેને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કઈ નથી થતું.’ આ કહેવત સાર્થક કરતો વલસાડ જિલ્લામાંથી એક બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં એક બાઈક સવાર અને બે ટ્રકો વચ્ચે ગંભીર રીતે ફસાય ગયો હતો.
વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો હતો.જેમાં પૂરઝડપે પસાર થઇ રહેલી બે ટ્રકો વચ્ચે એક બાઈક સવાર વિચિત્ર રીતે ફસાયો હતો. જોકે, તેમ છતાં બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના દ્રશ્ય જોઈ પ્રથમ નજરે જોતાં કોઈપણને પણ લાગે કે, આ અકસ્માતમાં કોઇ બચ્યું નહિ હોય પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, બે ટ્રકોની વચ્ચે બાઈક ટાયરોમાં ફસાઇ ગયું હતું, જે બાદ પણ બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત જોઇને આસપાસથી પસાર થતા લોકો અને વાહન ચાલકોએ પણ ચોંકી ગયા હતા.
સમગ્ર ઘટનાની વાત કરીયે તો, વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ગામના બંકિમ ભાઈ બારોટ નામના એક વ્યક્તિ વાપીથી નોકરી કરીને પરત વલસાડ પોતાના ઘરે જઇ રહ્યાં હતા. ત્યારે વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે જ હાઇવે પરથી પસાર થતી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવાર બાઈક સાથે અન્ય એક ટ્રેક પર ફંગોળાયા હતા.
જે બાદ તે ત્યાંથી પસાર થતી બીજી અન્ય એક ટ્રકના ટાયરની નીચે આવી ગયા હતા. આમ બાઈક બંને ટ્રકોના ટાયર વચ્ચે ફસાઈ ગયું હતું. જોકે, તક મળતા જ આંખના પલકારામાં બાઈક સવાર બંકિમ ભાઈ બાઇક પરથી નીચે કૂદી પડ્યા હતા.
આ ઘટના દરમિયાન તેમને સામાન્ય ઇજા પોહચી હતી. જે રીતે બાઈક ચાલાક બે ટ્રક વચ્ચે ફસાયો હતો તે જોયને લાગે કે તેનું બચવું લગભગ અશક્ય જ છે. પરંતુ ક્યારેક કુદરતી એવા સંજોગો સર્જાય છે. જેમાં ચમત્કારને કારણે આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ હેમખેમ બચી જવાય છે.