રામ સોનગઢવાલા, ઉમરગામ 

કસ્ટોડીયલ ડેથના બનાવો ખૂબ વધતા જઈ રહ્યા છે. હાલ દરરોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. નવસારીના ચીખલીની ઘટના ન શ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથકમાં એક ઈસમે આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.
નારગોલ મરીન પોલીસ ચોકીના બાથરૂમમાં જઈ એક વ્યક્તિએ પોતાના કપડાં વડે જ ગળા ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ વહેલી સવારના સમયે અંધારામાં નારગોલ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં ફરતી હતી. આ દરમિયાન પોલીસને ભાળી કેટલાક ઈસમો નાસી છૂટવા લાગ્યા હતા. જેને જોઈ એલસીબી અને નારગોલ મરીન પોલીસએ ભાગતા ઈસમોનો પીછો કર્યો હતો. અને આ માંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આ બંને ઈસમોને નારગોલ મરીન પોલીસ મથકે લાવવામા આવ્યા હતા.

પોલીસ કર્મીઓ અને અધિકારીઓ દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે બંને વ્યક્તિને લઈ પોલીસ અન્ય ભાગેલા ઈસમોને પકડવા ગઈ હતી. તે દરમ્યાન નારગોલ મરીન પોલીસ મથકમાં બેઠેલા ઇસમે બાથરૂમ જવાનું કહી બાથરૂમમાં પોતાના જ કપડા વડે આત્મહત્યા કરી લીધી. પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મીને અવાજ આવતા તે દોડી ગયો હતો અને આત્મહત્યાની જાણ થઈ. આ ઘટના અંગે જાણ ઉચ્ચ અધિકારીઓને કરાતા કાફલો દોડી આવ્યો હતો. પોલીસ મથકના બાથરૂમમાં આત્મહત્યાની ઘટનાની જાણ બાદ જિલ્લા પોલીસ વડા સહિત અન્ય અધિકારીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં પોલીસને જોઈ અંધારામાં ભાગતા ઈસમો માંથી બે લોકો પકડાયા બાદ હજી પૂછપરછ થાય તે પહેલા એક વ્યક્તિએ પોલીસ મથકના બાથરૂમમાં આત્મહત્યા કરતા પોલીસ માટે આ ઘટના માથાનો દુખાવો બની છે. પોલીસ દ્વ્રારા વધુ તપાસ કરતાં આત્મહત્યા કરનાર ઇસમ અન્ય વ્યક્તિઓ સાથે લૂંટ ધાડના ઇરાદે આવ્યા હોવાનુ જાણવા મળ્યું હતું. લૂંટ કરવાને ઇરાદે કેટલાક ઈસમો ઈકો ગાડીમા આવ્યા હતા એ દરમિયાન પોલીસ પેટ્રોલીંગની ગાડી ત્યાથી નીકળી હતી. પોલીસને જોઇ તમામ ઇસમો ભાગી છુટયા હતા. હાલ અન્ય ભાગેલા ઈસમોને લઈ પોલીસે જંગલ અને ગલીઓમાં તપાસનો દોર શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.