વલસાડના વાપી ખાતે કેમિકલ ડ્રમ ફાટવાથી વિકરાળ આગ લાગી હતી. ત્યારે વાપી ખાતે લાગેલી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ બનાવની જાન થતાં વાપી, પારડી, સરીગામ, ઉમરગામ અને વલસાડના ફાયર ફાઈટરને ઘટના સ્થળે પહોંચવા આદેશ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત  કેમિકલ ડ્રમ ફાટવાથી આગે વધુ વિચાર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જેમાં ત્રણથી ચાર જેટલા કામદારો ઘાયલ પણ થયા હોવાની માહિતી સામે આવી છે.

વાપી GIDC થર્ડ ફેઝના ફોર્ટી શેડ એરિયામાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં (Chemical Company) મંગળવારની સાંજે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આગ લાગતા સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ તરત જ ફાયર વિભાગને (Fire Department) કરવામાં આવતા વાપી જીઆઈડીસી તથા પાલિકા સહિતની ફાયર ફાઈટરોની ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે પણ પહોંચી હતી. આગની ચપેટમાં બાજુમાં આવેલી પ્લુટો એલ્યુમિનિયમ કેમિકલ કંપની (Pluto Aluminum Chemical Company) પણ આવી ગઈ હતી.

વાપી GIDC થર્ડ ફેઝના ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતાં. ત્યારે મંગળવારની સાંજે કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. જેની જાણ ફાયરને કરવામાં આવતા ઘટના સ્થળે ફાયર ટીમ આવી પહોંચી હતી. કંપનીમાં લાગેલી આગને પગલે કેમિકલના કેટલાક ડ્રમો બ્લાસ્ટ થયા હતાં. જેને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી તો બીજી તરફ ડ્રમ ફાટવાને કારણે કંપનીની આસપાસ ઉભેલા લોકટોળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે ફાયર ટીમ પણ સાવચેતી રાખી આગ ઉપર કાબુ મેળવવાના બનતા પ્રયાસો કરતી જોવા મળી હતી.

કંપનીમાં આગની ઘટના અને બ્લાસ્ટ થતા બાજુમાં આવેલી પ્લુટો એલ્યુમિનિયમ કેમિકલ કંપની પણ ચપેટમાં આવી ગઈ હતી. બંને કંપનીઓમાં લાગેલી આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતાં. આગની ઘટના બનતા કંપની સંચાલકો દ્વારા બાકી બચેલો માલ-મટિરિયલ પણ સુરક્ષિત સ્થળે હટાવવાની કામગીરી કરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ફાયર વિભાગની ટીમ દ્વારા કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

રામ સોનગઢવાલા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.