વલસાડથી દંપતી અને બે બાળકો ઉનાના ધોકડવા ગામે મતદાન કરી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ વલસાડના દંપતી અને તેના બે પુત્રો સાથે પરિવાર કારમાં ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા આવ્યો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ સાવરકુંડલા પાસે સીમરણ ગામ નજીક ટ્રક ચાલકે કારને હડફેટે લેતા આખો પરિવાર કાળનો કોળિયો બનતા ચકચાર મચી ગઇ છે. અમરેલી હાઇવે અકસ્માતના પગલે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડમાં રહેતા મનુભાઈ બાબુભાઇ ગુર્જર (ઉ.વ.૫૫) પોતાના પત્ની ભાગુબેન ગુર્જર (ઉ.વ.૫૫) પોતાના બે પુત્રો ઉમેશ ગુર્જર (ઉ.વ.૩૯) અને કૌશિક ગુર્જર (ઉ.વ.૩૩) સાથે પોતાની સ્વીફ્ટ કારમાં પરત ઘરે જતા હતા ટીકરે સાવરકુંડલા પાસે સીમરણ ગામ નજીક ટ્રકે કારને હડફેટે લેતા પત્ની અને બે પુત્રોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે મનુભાઈ ગુર્જરને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ મનુભાઈએ દમ તોડતા પૂરો પરિવાર કાળનો કોળિયો બન્યા હતા.

આ અંગે મળતી વધુ વિગત મુજબ મનુભાઈ ગુર્જર અને તેનો પરિવાર ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ઉના તાલુકાના ધોકડવા ગામે મતદાન કરવા આવ્યા હતા. પોતાનો મૂળભૂત ફરજ અદા કર્યા બાદ તેઓ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આવ્યા હતા. ત્યાંથી પરત વલસાડ જતી વેળાએ આ અકસ્માત સર્જાતા પૂરો પરિવાર કાળને ભેટ્યો હતો. જેમાં પત્ની ભાગુબેન અને ઉમેશ અને કૌશિક બંને પુત્રોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે મનુભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ પરિવારના મોભીએ પણ દમ તોડતા પૂરો પરિવાર કાળનો કોળિયો બન્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ પોલીસ અધિકારીઓએ હાલમાં તપાસ શરૂ કરી છે. તેમજ મોડી રાત સુધીમાં અકસ્માતનો ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.