પાંચની ધરપકડ : સમાજ અગ્રણી મનહર ઝાલાની સમગ્ર મામલે ન્યાયિક તપાસની અરજી
સરકારી જી.જી. હોસ્પિટલમાં બે દિવસ પહેલા સફાઇ કર્મીઓ વચ્ચે થયેલી બબાલ પ્રકરણમાં વાલ્મિકી સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ગઇકાલે સતત બીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખી લાલબંગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યાં હતાં. વાલ્મિકી સમાજ દ્વારા અધિકારી અને તંત્ર વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. જ્યાં સુધી સફાઈ મહિલા કર્મચારીને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાતમાં સફાઈ કામગીરી બંધ રહેશે અને સફાઈ કર્મચારીને મારનાર પણ ગુનેગાર હોય તેની સામે ફરિયાદ નોંધો તેવી માગણી સાથે લાલબંગ્લા સર્કલ ખાતે ધરણા કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
જ્યારે વાલ્મિકી સમાજ દ્વારા ગઇકાલે હોસ્પિટલમાં સફાઈ કામગીરી પર બંધ કરી દેવામાં આવી છે અને આજથી સમગ્ર ગુજરાતમાં સફાઈ કામગીરી બંધ રખાશે તેવું વાલ્મિકી સમાજના આગેવાન અમિત પરમારે જણાવ્યું હતું. જ્યારે બીજીબાજુ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જામનગરની મુલાકાત લે તેવી શક્યતા પણ દર્શાવી હતી.
આખી ઘટનાની જો વાત કરીએ તો જી.જી કોવિડ હોસ્પિટલમાં થયેલી બબાલ બાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વાલ્મિકી સમાજના લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ મામલો બગડ્યો હતો.વાલ્મિકી સમાજના પાંચ લોકોની ધરપકડ કરી અટકાયત કરી હતી. જે તમામનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરી લીધી છે. પાંચેય આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી દેવાયા છે. હોસ્પિટલ પરિષદમાં થયેલી બબાલમાં પૂર્વ ધારાસભ્ય અને વાલ્મિકી સમાજના અગ્રણી મનહરભાઈ ઝાલાએ સમગ્ર મામલે ન્યાયિક તપાસની અરજી કરી છે. જેમાં એસ.ટી વિભાગના ડીવાયએસપી દ્વારા તપાસ પણ ચલાવવામાં આવી રહી છે.