ઉતર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદીજી એક એવી સંસ્કૃતિમાં ઉછરી મોટા થયા જેણે તેમના ઉપર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડયો. સાંઈઠના દાયકાના મધ્યમાં ભારત-પાક યુદ્ધ દરમિયાન નાની ઉમર હોવા છતાં પણ, તેમણે રેલવે સ્ટેશનો પર સ્થળાંતર વખતે સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી. ૧૯૬૭માં તેમણે ગુજરાતના પૂરપીડિતોની સેવા કરી હતી. તેમણે પોતાના વ્યકિતત્વની સંપૂર્ણ શકિત અને સાહસ દ્વારા દરેક પડકારોને તકમાં ફેરવી નાખ્યા. તેમણે હાર માનવાનું કે પરાજિત થવાનું કયારેય સ્વીકાર્યું નથી.
આર.એસ.એસ.માં પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે ભાજપમાં જોડાઈને રાજકારણીની મુખ્યધારામાં પ્રવેશ કર્યો. એક વર્ષની અંદર, ગુજરાત એકમના મહામંત્રીના પદ પર તેમની વરણી થઈ. ત્યાર સુધીમાં તેઓએ એક અત્યંત કુશળ સંગઠક હોવાની નામના પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે
સાચા અર્થમાં પાર્ટી કાર્યકરોને સક્રિય કરવાના પડકારરૂપ કામનું બીડું ઉઠાવ્યું. પછીનો તેમનો મુખ્યમંત્રી તરીકે યશસ્વીકાળ તો સૌ જાણે જ છે.
તેમના પ્રધાનમંત્રી તરીકેના નેતૃત્વ હેઠળ આજે ભારતમાં શિક્ષણ, કૃષિ અને આરોગ્ય સેવા, સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં મોટું પરીવર્તન જોવા મળી રહયું છે. તેમણે રાષ્ટ્રના ભવિષ્યમાં પોતાની એક સ્પષ્ટ દ્રષ્ટિ કેળવી, નીતિ આધારીત સુધારણા કાર્યક્રમ શરૂ કર્યા, સરકારના વહિવટ માળખાંની પુનવ્યવસ્થા કરી.
ઉર્જાવાન લોકનેતા તરીકે વ્યાપકરૂપે જાણીતા નરેન્દ્ર મોદીએ પોતાના વિચારોને સફળતાપૂર્વક ભારતનાં અને વિશ્વના લોકો સુધી પહોંચાડયા અને તેઓ ભારતના ૧૩૦ કરોડથી વધારે લોકોનો ભરોસો, વિશ્વાસ અને આશા ઉભી કરવામાં સક્ષમ રહયાં છે. લાખો લોકોને, એટલે સુધી કે સામાન્ય માનવીને પણ, તેમના નામથી બોલાવવાની તેમની સ્મરણશકિતને કારણે તેઓ પ્રજાના માનીતા બની ગયા છે. આધ્યાત્મિક નેતાઓ માટેના તેમના અપાર આદરના કારણે ધર્મો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ મળી છે.
એક કુશળ વકતા અને એક નિપુર્ણ મંત્રણાકાર એવા મોદીજીએ ગામડાંઓ અને શહેરોના લોકોનો એકસરખો પ્રેમ મેળવ્યો છે. તેમના ચાહકોમાં સમાજના દરેક સંપ્રદાય અને ધર્મના તથા પ્રત્યેક આર્થિક વર્ગના લોકો સામેલ છે. તેમના જન્મદિનની સેવા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને નરેન્દ્રભાઈના દશકાઓથી સાથી ડો. વલ્લભભાઈ કથીરિયાએ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.