ભારતની સામાજિક વ્યવસ્થામાં આમ તો લાગણી અને કૌટુંબીક જવાબદારી અને પરિવારના સભ્યોને આદર આપવા માટે કોઈ ‘ડે’ની ઉજવણીની જરૂર રહેતી નથી. આપણે અહીં પ્રેમની અભિવ્યક્તિની શરૂઆત ‘ર્માં’ શબ્દથી થાય છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક ધર્મ, વર્ગ, સંપ્રદાય કે સમૂદાયમાં લાગણીના અભિવાદન માટે કોઈ બાહ્ય દેખાવ કે રૂઢીપ્રયોગોથી લઈને કોઈ પ્રથાની જરૂર રહેતી નથી અને દરેક ભાવનાના હાર્દમાં ‘અનિમેષ’ પ્રેમનું અસ્તિત્વ હોય જ છે. હવે ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ને પ્રેમની અભિવ્યક્તિનો અવસર માનવાની એક ફેશન થઈ ગઈ છે. ખરેખર પ્રેમની સાચી પરિભાષા સમજવા જેવી પરિપક્વતા પામી લઈએ તો પ્રેમને ઓળખવા કે તેને જાહેર કરવાની જરૂર રહેતી નથી.
વેલેન્ટાઈન ડેની ઉજવણીની શરૂઆતનો ઈતિહાસ કંઈક અલગ હતો, આજે ઉજવણીનો મર્મ સાવ જુદો છે. પ્રેમ, ત્યાગ, સમર્પણ અને તર્પણની ભાવનાનું નામ છે. આજે પ્રેમ એ ‘પામવા’નું માધ્યમ બની ગયું છે. ત્યાગ, સમર્પણ અને તર્પણનો પ્રેમ દિર્ધજીવી નહીં પરંતુ અજરાઅમર અમર હોય છે તે ક્યારેય નાશ પામતો નથી, ભુલાતો નથી. પણ જે પ્રેમ પામવા માટે પ્રાપ્ત થયો હોય તે પ્રાપ્તી બાદ લોપ થઈ જાય છે, પછી પ્રેમ પ્રેમ રહેતો નથી. એક અભિવ્યક્તિની છેતરપિંડી બની જાય છે. સંત વેલેન્ટાઈનનું બલીદાન પ્રેમને કાયમી યાદગાર બનાવવા માટે લેવાયું હતું. આજે એ જ વેલેન્ટાઈનના નામથી પ્રેમને પ્રાપ્તીનું માધ્યમ બનાવાય છે. વેલેન્ટાઈન ડેની ઉજવણીનો મર્મ ત્યાગ, તર્પણ અને સમર્પણવાળા પ્રેમની પ્રાપ્તીનું નથી તેની અનુભુતિનું છે. આજે જે રીતે વેલેન્ટાઈન ડેના કહેવાતા પ્રસંગને માધ્યમ બનાવીને પ્રેમની અભિવ્યક્તિથી છળ, કપટ અને કામાંધ વ્યવહારોનો પ્રારંભ થાય છે તે ખરેખર વેલેન્ટાઈન ડેની ઉજવણી નથી, તેના મર્મની હત્યા છે.
વેલેન્ટાઈન ડેની ઉજવણી દરેક કરી શકે છે, દરરોજ થાય, તેના માટે તારીખનો ઈંતેજાર ન કરવાનો હોય. આજે જે રીતે પ્રેમ જેવી નિર્દોષ અને સત્ય ભાવનાને પ્રાપ્તીનું માધ્યમ બનાવાયું છે તે સાચુ વેલેન્ટાઈન નથી, વેલેન્ટાઈનની અભિવ્યક્તિ માટે કોઈ પાત્રની શોધ કરવાની ન હોય, પ્રેમ કરવો હોય તો ઘરના ઉંબરાની બહાર જવાની જરૂર ના હોય, માતા-પિતા, ભાઈ-બહેન, સગા-સ્નેહીજનો, શિક્ષકો, મિત્રો અરે પ્રેમને કોઈ પાત્રની જરૂર ન હોય. પ્રેમ તે અભિવ્યક્તિની ચીજ નથી આત્મીય અનુભુતિનો આનંદ છે. વેલેન્ટાઈન ડેના દિવસની રાહ જોઈ ગમતા પાત્રને પ્રેમના પરિઘમાં વિંટાળવાનું બહાનું કરી જે વ્યવહાર ઉભો થાય છે તે હરઘડી પ્રેમની સત્યતાનું પ્રતિક નથી, પ્રેમ તો નિર્લેપ રીતે સ્વયંભૂ લાગણી ઉદ્ભવે તેને કહે છે. વેલેન્ટાઈન ડેની ઉજવણીનો ખરો મર્મ પ્રેમ પામવાથી નહીં પ્રેમને સમજવાથી પ્રાપ્ત થાય છે.