દુંદાળાદેવની ઢોલ નગારા સાથે ઠેર-ઠેર થશે પધરામણી: મહાઆરતી તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
ભારતમાં ગણેશ મહોત્સવ ની ઉજવણી ની પરંપરા સાથે જોડાયેલ છે આઝાદી નો ઇતિહાસ મહારાષ્ટ્રમાં શરૂ થઈ લોકપ્રિય થયેલા ગણપતિ મહોત્સવ નો હવે ગુજરાતમાં વધ્યો દબદબો ગણપતિ બાપા મોરિયા ના નાથ સાથે સૌરાષ્ટ્રમાં દેવને થવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે આ વર્ષે વિઘ્નહર્તા નો મહોત્સવ મંગળવારથી શરૂ થશે પરંતુ 11 ના બદલે દસ દિવસ ઉત્સવ ચાલશે ગણપતિ લેવાનું મૂર્ત 16 ને રવિવારે અમૃત સિદ્ધિઓમાં સવારે 6:35 થી 10.2 બે મિનિટ સુધી હોવાથી વિઘ્નહર્તાને સ્થાપિત કરવા માટે તૈયારીઓને અંતિમ આપવામાં આવી રહ્યું છે
ગણપતિ મહોત્સવ નો ઇતિહાસ ખૂબ જ જૂનો છે હવે તો નવરાત્રીની જેમ જ ગુજરાતમાં પણ વ્યાપક પણે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવે છે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 10 દિવસ ગણપતિ ભગવાનનો ધર્મોત્સવ ગામેગામ, લત્તે લત્તે ઉજવાશે પરંતુ, હજારો વર્ષથી ઘરે ઘરે અને કોઈ પણ પ્રસંગમાં જેની પૂજા થતી રહી છે તે વિઘ્નહર્તા ગણપતિને ગામના ચોકમાં જાહેરમાં સ્થાપનનો આરંભ લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે ઈ.સ.1893માં પૂણેમાં શરૂઆત કરી હતી. ગુજરાતના ગરબા જેમ દેશવિદેશમાં આજે પ્રખ્યાત છે તેમ મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવેલ આ ગણેશોત્સવ દેશભરમાં અને વિદેશોમાં પણ પ્રચલિત છે અને સૌરાષ્ટ્રમાં તે વિશેષ પ્રચલિત ઈ.સ.2000 પછી થયેલ છે.
છત્રપતિ શિવાજી દ્વારા પણ ગણેશ ચતુર્થીની ઉજવણીનો ઉલ્લેખ છે અને ત્યારબાદ પેશ્વાઓ દ્વારા તેની ઉજવણી થતી રહેતી. પરંતુ, ભારતમાં 1857ના આઝાદી માટેના વિપ્લવ પછી ચાલાક અંગ્રેજો તેમનું રાજ ટકાવવા ભારતીય લોકોને એકત્ર થવા દેતા નહીં, પ્રશ્નો-સમસ્યા રજૂ કરવા માટે ટોળા ભેગા કરી શકાતા નહીં. પરંતુ, અંગ્રેજો જાણતા હતા કે લોકોની ધર્મભાવનાને રૂંધી શકાય નહીં તેથી તેમણે માત્ર ધાર્મિક કાર્યક્રમો માટે લોકો ભેગા થવા દેવાતા. આ કારણે લોકમાન્ય તિલકે તે વખતે ઘરે ઘરે થતી ગણેશ ભક્તિની સાથે દેશભક્તિ વધે સ્વાતંત્ર્ય ભાવના જાગે તે માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો જે આજે 128 વર્ષે પણ જારી છે. મુંબઈમાં લાલબાગ કા રાજા તો સાડા આઠ દાયકા પહેલાથી ઉજવણી થતી રહી છે. લોકમાન્યએ તેમના સમયમાં આ ઉત્સવનો સમય ગણેશચોથથી અનંત ચતુર્દશીનો નક્કી કર્યો તે આજે પણ જારી છે. આ ઉત્સવ દરમિયાન ’ગણપતિ બાપ્પા મોરયા ’શબ્દોચ્ચાર ખૂબ ધામધૂમથી થતો રહે છે.
તેમાં મોરયા (ઘણા મોર્યા કે મોરિયા કહે છે) એ 14મી સદીમાં એટલે કે આશરે 700 વર્ષ પહેલા પૂણે પાસેના મોરગાંવમાં થયેલા અને મોરેશ્વર એવા ગણપતિ દાદાના અનન્ય ભક્ત એવા મોરયા ગોસાવી છે. તે ગણેશભક્તિમાં એટલા લીન અને સિધ્ધ હતા કે લોકોએ આ નામ ઉચ્ચારવા લાગ્યા હતા. ગણપતિની પૂજા વખતે લગભગ તમામ ભુદેવોથી માંડીને ભાવિકો ’વક્રતુણ્ડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરૂં મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા’શ્લોકનું અચૂક ઉચ્ચારણ કરે છે, ઘણા આને સિધ્ધ ગણેશમંત્ર જ કહે છે, જેમાં એક પ્રાર્થના છે અને શાબ્દિક અર્થ થાય છે કે વળાંકવાળી સુંઢ, વિશાળ શરીર, કરોડો સૂર્ય જેવું તેજ ધરાવનાર દેવ, અમારા સર્વકાર્યો નિર્વિઘ્ને પરિપૂર્ણ કરે.
ગણપતિના દ્વાદશ નામ
- સુમુખ
- એકદંત
- કપિલ
- ગજકર્ણક
- લંબોદર
- વિકટ
- વિધ્નહર્તા
- વિનાયક
- ધૂમ્રકેતુ
- ગણાધ્યક્ષ
- ભાલચંદ્ર
- ગજાનન
મંગળવારથી ગણેશ ઉત્સવનો મંગલ આરંભ
આ વર્ષે 11 દિવસના બદલે 10 દિવસ ગણેશ વિર્સજન
ભાદરવા સુદ ચોથ ને મંગળવાર તારીખ 19.9.23 ના દિવસ થી ગણેશ ઉત્સવ નો પ્રારંભ થશે જે ભાદરવા સુદ ચૌદસ ને ગુરુવાર તારીખ 28.9.23 સુધી ચાલશે આ વર્ષે અગિયારસ તિથિ ક્ષય તિથિ હોતા ગણેશ ઉત્સવ 11 દિવસના બદલે 10 દિવસ ચાલશે આ વર્ષે મંગળવાર અને ચોથ છે આથી અંગારકી ચોથ ની સાથે ગણેશ ઉત્સવ છે અને અંગારકી ચોથ ની સાથે ગણેશ ઉત્સવ નો પ્રારંભ થતો હોવાથી તે ઉત્તમ ગણાય છે તે ઉપરાંત મંગળવારે બપોરના 1.48 સુધી શુભ સ્વાતિ નક્ષત્ર પણ છે તે પણ શુભ ગણાય છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન તારીખ 20 ને બુધવારે ઋષિ પંચમી છે .તારીખ 23 ને શનિવારે રાધાષ્ટમી છે તારીખ 25 ને સોમવારે અગિયારસ છે આ બધા દિવસો શુભ ગણાય છે. ઘણા લોકો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ અને સાત દિવસ પણ ઘરમાં ગણપતિ રાખતા હોય છે
ગણેશ ઉત્સવની શરૂઆત
ઇતિહાસ કારોના મતે ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત 1630-1680 ની વચ્ચે થઇ હતી. તે સમયે આ તહેવાર એક સામાજિક કાર્ય તરીકે ઉજવવામાં આવતો હતો જયારે એક તરફ મરાઠા સામ્રાજયના સ્થાપક છત્રપતિ શિવાજીના સમયે ગણપતિને તેમના કુળદેવતા તરીકે પૂજવામાં આવતા હતા બીજી તરફ પેશવાઓના અવસાન પછી તે પારિવારિક ઉજવણી બની હતી. એક એવી પણ માન્યતા છે કે, 1893 માં અંગ્રેજોના સાશન વેળાએ સભાઓ, મેળાવળાઓ વગેરે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે બાળ ગંગાઘર તિલકે ગણપતિની સ્થાપના કરી અને એ બહાને બધા ક્રાંતિકારીઓ ભેગા થાય અને રણનીતી ઘડવા અંગેની ચર્ચાઓ થતી સાથે સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે વિવિધ જ્ઞાતિઓ માં એકતા આવી શકે તે માટે પણ આ ઉત્સવ ઉજવાતો હોવાનું કહેવાય છે.
ગણપતિ ગુણને આગળ ધરીએ, વિધન છેટા ભાગશે…..
“ગણપતિ ગુણ આગે રહો, દો કર જોડે દાસ સદા, સર્વદા સમરતા, વિઘ્ન ન આવે પાસે ”
આ પંકિત જીવનમાં ઘણું કહી જાય છે. દુંદાળા દેવ ગણપતિના ગુણાનુવાદને જીવનમાં ઉતારી આચરણ કરવામાં આવે તો કોઇપણ પ્રકારના વિઘ્નો પાસે ફરકતા નથી. ગણેશજીના જન્મની વાતથી તો આપણે બધા ખુબ જ પરિચીત છીએ છતાં ટુંકમાં અને સાખીમાં કહીયે તો ‘ઉમિયાજી જલ જીલન ચલી, નારી નવલે વેશ, અંગેનો મેલ ઉતારીને, એના ઘળ્યા ગણેશ…’
માં પાર્વતિજી સ્નાન કરવા માટે ગયા અને ગણેશજીને સુચના આપી કે કોઇપણને અંદર આવવા નહી દેવા.. બાદ ભગવાન ભોળાનાથ આવ્યા ગણપતિજીએ પ્રવેશવાની મનાઇ કરી… ભગવાન ભોળાનાથ કોપાયમાન થયા, ત્રિશુલથી મસ્તક છેદી નાખ્યું બાદમાં પાર્વતીજી આવ્યા પુત્રના શીરે છેદનને જોઇ વલોપાત કર્યા. સાચી વાત જાણી શિવજીએ ગણોને કહ્યું ઉતર દિશામાં જે કોઇ મળે તેનું શીર લાવો. ત્યારે ગણો ગજનું મસ્તક લાવ્યા ગણેશજીને ગજમસ્તક લગાવી સજીવન કર્યા.
બધા દેવતાઓએ ગણપતિને જુદા જુદા આશિર્વાદ આપ્યા. ભગવાન ભોળાનાથે પણ આશિર્વાદ આપતા કહ્યું કે કોઇપણ શુભ કાર્યમાં આપનું પુજન પ્રથમ થશે. ગણપતિજીની આ વાર્તાથી આપણે સૌ પરિચીત છીએ.
પરંતુ ગણપતિજીનું વદન, મુખ, કાન, નાક, ભાલ, સુંઢ, પેટ વગેરેના ગુણો માનવી અનુસરે તો બેડોપાર થઇ જાય… જીવનમાં સાચુ અને સારુ સાંભળવાની ક્ષમતા રાખવી સદગુણ રુપી સુગંધ અને દુર્ગુણોરુપી ગંધને પારખી દુગુર્ણોને દુર કરવા, કોઇપણ જાતના ભેદભાવ વગર દરેકની વાત સાંભળી તેને પેટમાં સંઘરવી કયાંય વાત બહાર જાય નહી તેનું ખાસ ઘ્યાન રાખવું વગેરે જેવા અનેક ગુણાનુવાદને યાદ કરી જીવનમાં ઉતારવાથી કાયાનું કલ્યાણ થાય તેવું પણ અનેક કથાકારોની અમૃત વાણીમાં કહેવાય છે. ટુંકમાં કહી તો ગણપતિના ગુણોને આગળ ધરી ચાલીઓ જેમ ગણપતિજીનો ગુણાનુવાદ માનવીની નજીક આવતો રહેશે તેમ જ વિદનો દુર થતા જશે…
ગણપતિજી લખે અને વેદવ્યાસજી ભણે… મહાભારત કથા
શિતળતા આપવાનો ભાવ પ્રગટ કરતું ગણપતિ વિસર્જન
ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી આ દિવસથી ભાદરવા સુદ ચૌદસ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના જુદા જુદા રાજયોમાં ગણેશોત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ગણપતિજીનું આહવાન કર્યા પછી વિસર્જન શા માટે કરવામાં આવે છે તે અંગે જુદી જુદી માન્યતાઓ છે. અને તે બાબતમાં વધુ પ્રકાશ પાડતી મહાભારત ગ્રંથની રચના સમયની પૌરાણિક કથાને યાદ કરીએ.
મહાભારતના દ્રશ્ય ને આત્મસાત કરનાર વેદવ્યાસજીને મહાભારત ગ્રંથ લખાય તેવી તિવ્ર ઇચ્છા હતી પરંતુ તે અટકયા વગર લખવા માટે અસમર્થે હોય વ્યાસજીએ બ્રહ્માજીને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ વ્યાસજીને જણાવ્યું કે, આ બાબતે બુઘ્ધિના દેવતા તમને મદદ કરશે. બાદ વ્યાસજીએ દુંદાળા દેવ ગણપતિને પ્રાર્થના કરી અને બાપ્પાએ મહાભારત લખવા માટે સ્વીકૃતિ આપી.
એમ કહેવાય છે કે મહાભારત લખવાની શરુઆત કરવામાં આવી એ દિવસે ભાદરવા સુદ ચોથ હતી. વેદ વ્યાસજી આંખો બંધ કરી મહાભારતનું વર્ણન (કથા) કહેતા જાય અને ગણપતિ લખતા જાય આમ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ લખતા લખતાં દસ દિવસ થયા આમ સતત દસ દિવસ સુધી કથા સાંભળતા, લખતા ગણપતિજીના શીરરનું તાપમાન વધી ગયું હતું. જયાં વેદ વ્યાસજીએ આંખો ખોલીને જોયું તો ગણપતિજીનું શરીર લાલ હીગોળ જેવું થયું હતું જેથી ગણપતિજીના શરીરને શિતળતા મળે તે માટે વ્યાસજીએ ભીની માટીનો લેપ લગાવ્યો આમ લેપ લગાવતા જ ગયા અને આખરે ગણપતિજીના શરીર પર માટીના થર જામી ગયા પરંતુ માટી સુકાવાથી ગણપતિજી અકળાવા લાગ્યા જેથી ગણપતિજીને સરોવરમાં લઇ જઇ માટીનો લેપ સાફ કર્યો એ માટી સરોવરમાં વિસર્જન થઇ એટલે 11 દિવસ પછી શ્રઘ્ધા પૂર્વક ગણપતિનું વિસર્જન કરવાનું એક માન્યતા પણ છે. કે ગણપતિજીની પ્રતિમાને પાણીમાં વિસર્જન કરી તેને શિતળતા આપવામાં આવે છે તેવું પણ એક માન્યતા છે.
અન્ય એક કથા અનુસાર એવી એક માન્યતા છે કે ગણપતિ સ્થાપનથી વિસર્જન સુધીના દસ દિવસ દરમિયાન લોકો પોતાની આધી, વ્યાધી, ઉપાધી ની વાત ગણપતિના કાનમાં કહે તો બપ્પા તેની ઇચ અવશ્ય પૂર્ણ કરે છે.
ભાવિકો દ્વારા ગણપતિ બાપ્પાના કાનમાં સતત દસ દિવસ સુધી લોકોની વેદનાઓ સાંભળી ગણપતિજીના શરીરનું તાપમાન ગરમ થાય છે જેથી ગણપતિજીની પ્રતિમાને વહેતા પાણીમાં વિસર્જન કરી તેને (ઠંડક) શિતળતા મળે એવા ભાવ સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
આમ વાત જે હોય તે પરંતુ એક વાત તો ચોકકસ છે ગણપતિ ઉત્સવના અગિયાર દિવસો લોકો શ્રઘ્ધા અને ભકિતપૂર્વક તેની ઉજવણી કરે છે.