રાજ્યમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી જે અંતર્ગત રાજકોટના પનોતાપુત્ર એવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ મત આપવા માટે રાજકોટ આવ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇએ પત્રકારો સાથે વાતચીતમાં પોતાની આગવી શૈલીમાં રાજકારણ અને બંધારણને લઇને પેટછૂટી વાત કરી હતી. વજુભાઇએ કહ્યું કે આ વખતે યુવાનોને ટિકિટ આપવામાં આવી છે એ સારી વાત છે.
રાજકોટ આવેલા વજુભાઇએ જણાવ્યું કે મતદાન કરવું એ આપણું કર્તવ્ય અને ફરજ છે, હું પણ મત આપવા માટે આવ્યો છું. મત આપી રહેલા લોકોની એક જ અપેક્ષા હોય છે કે અમે તમને પ્રતિનિધિ તરીકે ચૂંટીએ છીએ તો અમારી અપેક્ષામાં ખરા ઉતરશો અથવા સારા કામ કરશો તો જ મત મળશે. કુદરતનો નિયમ છે કે દરેક ક્ષણે કુદરત બદલાતી રહે છે જેમ કુદરતનું રીપીટેશન નથી થતું એવી જ રીતે રાજકારણમાં પણ બધુ બદલાતું રહે છે.
વધુમાં વજુભાઇએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં યુવાનોને ટિકિટ આપવામાં આવી એ યોગ્ય છે. બંધારણમાં પણ સુધારો કરી વર્ષ નક્કી કરવા જોઇએ. જેમ કે કોર્પોરેશનમાં આટલા વર્ષ, ધારાસભ્યના આટલા વર્ષ કે લોકસભામાં પણ આટલા વર્ષ. જો આવા સુધારા કરવામાં આવે તો ચૂંટણી અને રાજકારણમાં ઉત્સાહ જળવાઇ રહેશે.