સંઘાણી પરિવારમાં પુત્રીની પધરામણીને પગલે ગામમાં ઉત્સવનો માહોલ
બેટી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરી હળવદના નાના એવા નવા ઘનશ્યામગઢ ગામના સંઘાણી પરિવારમા પુત્રીનો જન્મ થતા હર્ષભેર બેટીના વધામણાં કરી વાજતે – ગાજતે પુત્રી રત્નને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો, આ તકે સમસ્ત ઘનશ્યામગઢ ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો.
હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા સંદિપભાઈ જગજીવનભાઈ સંઘાણી અને નીતાબેન સંદિપભાઈના ઘેર પુત્રીનો જન્મ થતા સમગ્ર સંઘાણી પરિવારમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી, કારણ કે, બેટી જન્મના વધામણાં કરવા ઉત્સુક આ પરિવારમાં દીકરી ન હોય ઈશ્વર પાસે પુત્રીરત્નની ઈચ્છા સેવી હતી જે પરિપૂર્ણ થતા સમગ્ર સંઘાણી પરિવાર આનંદિત થઈ ઉઠ્યો હતો.
મોરબી હોસ્પિટલ ખાતે સંઘાણી પરિવારના પુત્રવધુને પુત્રી રૂપી રતન અવતરતા આજે દિકરીબાઈને સંઘાણી પરિવારના આંગણે ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો ઢોલ નગારાના તાલે બેટીના વધામણાં કરવામાં આવતા સમસ્ત ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો અને વિધિવત આરતી ઉતારી પુત્રીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આજના સમયમાં પુત્રની ઘેલછામાં બેટીનો જન્મ રોકવા ત્રાગા થઈ રહ્યા છે ત્યારે હળવદના નાના એવા નવા ઘનશ્યામગઢ ગામે બેટી બચાવો નહિ પરંતુ બેટી વધાવોનું સૂત્ર સાર્થક કરી ખરા અર્થમાં બેટીબચાવો અભિયાનને સાકાર કર્યું છે.