લવ જેહાદની આશંકા સાથે કોમી તનાવ તંગદીલીમાં તબદીલ થયો
ચાર દિવસ પહેલાં કોળી યુવાન પર થયેલા છરીથી હુમલો અને જયેશ ગુજારીયા હત્યા કેસની કોર્ટ મુદતે થયેલી બોલાચાલીના કારણે બંને સમાજના ટોળા આમને સામને આવી જતાં તંગદીલી સર્જાતા એસઆરપી અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: સામસામે નોંધાતા ગુના
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના કારણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે નાના મોટા છમકલા ચાલી રહ્યા છે. ત્યારે મહુવામાં છેલ્લા છ માસથી ચાલતા કોમી તનાવ ફરી ભડકો થયો છે. લોકસભાની ચૂંટણી સમયે જ કોમી તનાવ થતા પોલીસને દોડધામ થઇ ગઇ છે. બંને સમાજ વચ્ચે ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ એસઆરપી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને બંને સમાજ સામે ગુના નોંધી અટકાયત કરવાની કાર્યવાહી હાથધરી છે.
સૌરાષ્ટ્રના પેરિસ સમાન ભાવનગર જિલ્લાના મહુવામાં નવરાત્રી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની થયેલી હત્યાના પગલે થયેલી કોમી તંગદીલી અને તનાવ ફરી સપાટી પર આવ્યો છે. મહુવા-રાજુલા રોડ પર આવેલા દેવ પ્રયાગ રેસીડેન્સી ખાતે નવરાત્રી નિમિતે દેવવિલા ફેમીલા કબલ દ્વારા અવાચીન રાસોત્સવનું આયોજન થયું હતું. ત્યારે રાસોત્સવનું શાંતિ પૂર્ણ રીતે પુરૂ થાય તે માટે આયોજકોએ મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુંજારીયાને ગેઇટ પર ધ્યાન રાખવાની જવાબદારી સોપી હતી. જયેશભાઇ ગુંજારીયા હિન્દુ યુવતીઓની પજવણી ન થાય તે માટે મુસ્લિમ શખ્સોને પજવણી કરતા અટકાવવાની જવાબદારી સોપવામાં આવી હતી.
નવરાત્રી દરમિયાન કેટલાક મુસ્લિમ શખ્સો દેવ પ્રયાગ રેસીડેન્સીમાં ચાલતા દાંડીયા રાસમાં આવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને જયેશ ગુંજારીયાએ અટકાવતા બંને વચ્ચે ઘર્ષણ થયુ હતું. જેના કારણે નવરાત્રી બાદ જયેશ ગુંજારીયાની મુસ્લિમ શખ્સોએ નિર્દયતાથી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પોલીસે જયેશ ગુંજારીયાની હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા તેમ છતાં મહુવામાં અવાર નવાર નાની નાની બાબતે કોમી છમકલા થતા રહ્યા હોય તેમ ચારેક દિવસ પહેલાં સર્કીટ હાઉસ પાસે હિન્દુ અને મુસ્લિમ યુવકના બાઇક અથડાતા થયેલી બોલાચાલીમાં કોળી યુવાન પર છરીથી હુમલો થયો હતો જેના કારણે હિન્દુ સમાજના ટોળા રસ્તા પર આવી ગયા હતા અને મસ્જીદ પાસે હુમલો થાય તેમ હોવાથી પોલીસે હુમલાનો બનાવ નિષ્ફળ બનાવ્યો હતો.
નવરાત્રી દરમિયાન થયેલા ડખ્ખાના છમકલા અવાર નવાર થતા અને ચાર દિવસ પહેલાં થયેલા હુમલા દરમિયાન બળતામાં ઘી હોમવા જેવી ઘટના કોર્ટ મુદત દરમિયાન બની હતી.
જયેશ ગુંજારીયાની હત્યાના ગુનામાં જેલ હવાલે થયેલા શખ્સોને કોર્ટ મુદતે લાવવામાં આવ્યા ત્યારે તેના સગા-સંબંધીઓ મળવા ઘસી આવતા હિન્દુ સમાજ દ્વારા તેનો વિરોધ કરતા ફરી કોમી તનાવની સ્થિતી સર્જાય હતી.
ગઇકાલે ફરી બંને સમાજના ટોળા ઘાતક હથિયાર સાથે આમને સામને આવી જતાં મહુવાની મુખ્ય બજારો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને નાસભાગ મચી ગઇ હતી. પોલીસે જયેશ ગુંજારીયાના ભાઇ વિશાલ કિશનભાઇ ગુંજારીયાની ફરિયાદ પરથી ૧૫ જેટલા મુસ્લિમ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. વિશાલ ગુંજારીયા પોતાના મિત્ર સાથે ભૈરવ મંદિરે દર્શન કરવા ગયો ત્યારે મુસ્લિમ શખ્સોની ચીકનની દુકાન રસ્તામાં આવતી હોવાથી કોર્ટ મુદતે કેમ તારા ભાઇને મળવા આવ્યો તેમ કહી ઝઘડો કરી દર્શન કરવા જતો રહ્યો હતો.
જ્યારે સામા પક્ષે સુફીયાન ગફાર હાલારીએ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી ૧૫ જેટલા શખ્સોએ ફરિયાદ નોંધાવી છે. અસ્લમને કોર્ટ મુદતે લાવવામાં આવ્યો ત્યારે તેને કેમ મળવા ગયો હતો તેમ કહી ગાંધી બાગ પાસે હુમલો કર્યા બાદ બપોરના ફરી વિશાલ ગુંજારીયા સહિતના શખ્સોએ દાવત ચીકન નામની દુકાને ઘાતક હથિયાર સાથે ઘસી આવી તોડફોડ કરી ફરી હુમલો કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
છેલ્લા ચાર દિવસથી મહુવા ખાતે ચાલતી કોમી તંગદીલી લોકસભાની ચૂંટણી સમયે વધુ કોમી હિંસામાં તબદીલ થાય તેવી દહેશત સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહુવા ખાતે ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંને સમાજના માથાભારે મનાતા શખ્સોની અટકાયતનો દોર શરૂ કર્યો છે. બીજી તરફ બંને સમાજના આગેવાનોને મધ્યસ્થી કરી શાંતિ સમિતિની બેઠકનું પોલીસ અધિકારીઓ દ્વારા ગોઠવણ થઇ રહી છે. તેમજ બંને સમાજના આગેવાનો દ્વારા શાંતિ જાળવવા અપીલ થઇ રહી છે.
નવરાત્રી દરમિયાન હિન્દુઓના આસ્થાના તહેવાર દરમિયાન મુસ્લિમ દ્વારા થતા કાકરી ચાળા અને હિન્દુ યુવતીઓને પ્રેમઝાળમાં ફસાવવી તેમજ હિન્દુ યુવતીઓની પજવણીના પ્રશ્ને સમગ્ર સૌરાષ્ટ્રમાં અંડર ગ્રાઉન્ડ રોષ ટૂંક સમયમાં સપાટી પર આવી મોટો કોમી ભડકો થાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી નહી થાય તો રાજયની શાંતિને પલીતો ચપાશે તેવી દહેશત પણ વ્યક્ત થઇ રહી છે.