મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદયની આગેવાનીમાં એસ.પી.ને આવેદન આપી 5 સામે ગુનો નોંધવા માંગણી
તાજેતરમાં એક ઓટીટી પ્લેટફોર્મ પર ’મહારાજ’ નામની ફિલ્મ પ્રદર્શિત કરવા માટે તેના નિર્દેશક સહિતના વ્યક્તિઓ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે. ત્યારે તે ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક ભાવના દુભાય તે પ્રકારનું ચિત્રણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત સાથે જામનગર ઉપરાંત ગુજરાતભરમાં વિરોધ વંટોળ ઉભો થયો છે.
આજે જામનગરના વૈષ્ણવ સમાજે એસપી પ્રેમસુખ ડેલુને તે ફિલ્મના વિરોધમાં અરજી પાઠવી રજૂઆત કરી છે. ઉપરોક્ત ફિલ્મ જેના પરથી બનાવવામાં આવી છે, તે મહારાજ નામના પુસ્તકના લેખક સૌરવ શાહ તેમજ આ પુસ્તકના પ્રકાશક અમદાવાદની આર.આર. શેઠ નામની કંપની, ફિલ્મ બનાવનાર યશરાજ ફિલ્મ્સ, સિદ્ધાર્થ પ્રેમકૃષ્ણન મલ્હોત્રા અને ઓટીટી પ્લેટફોર્મ વિરૂદ્ધ રજૂઆત કરાઈ છે.
આ ફિલ્મમાં વૈષ્ણવ સમાજના અનુયાયીઓની ધાર્મિક ભાવના દુભાય તે પ્રકારનો વિષય લેવામાં આવ્યો છે. દોેઢસો વર્ષ કરતા વધુ સમય પહેલાંના કહેવાતા બનાવ અંગે સૌરવ શાહે તે બુક લખી છે અને તે બુક પરથી યશરાજ ફિલ્મ્સે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ઉપરોક્ત તમામ જવાબદારો સામે આઈપીસી 153 (એ), 295 (એ), 505, 34 સહિતની કલમો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
જેમાં મોટી હવેલીના પરમ પૂજ્ય વલ્લભ રાયજી મહોદય ની અધ્યક્ષતામાં શહેરના વિવિધ સંગઠન અને સમાજના અગ્રણીઓ વૈષ્ણવો બહોળી સંખ્યામાં જોડાયા હતા.