માત્ર સાત વર્ષની વયના એ બાળકને જીવનનું સનાતન સત્ય સમજાઈ ગયું કે જીવન ક્ષણભંગુર છે અને આ મૃત્યુ એ સનાતન છે.
વવાણીયા ગામની સ્મશાનભૂમિમાં બાવળનાં વૃક્ષ ઉપર ચડીને ભડભડ બળતી ચિતાને જોઈને એનું બાળમાનસ મૃત્યુ વિષે ચિંતને ચડયું અને જાતિસ્મરણજ્ઞાન થયું. વળી, પૂર્વભવના સાંસારિક જીવનનાં સંબંધોની અનિત્યતા અને સંયોગવિયાગની વાત જણાતા જ રાયચંદ નામના આ બાળકના હૃદયમાં વૈરાગ્યનું બીજ રોપાઈ ગયું અને વય વધતા વીતરાગતાના વટવૃક્ષ‚પે પરિણમ્યું.
ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રજી વિષે લખે છે, ‘બાહ્ય આડંબરથી મનુષ્ય વિતરાગ નથી થઈ શકતો, વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, જે અનેક જન્મનાં પ્રયત્ને મળી શકે છે’. આમ, આ વીતરાગી મહાપુરુષનાં જીવનમાં દિવસે ને દિવસે વૈરાગ્યના ભાવ વર્ધમાન થતા જતા હતા, પરિણામે ઉદાસીન ભાવે સંસારની ફરજો બજાવતા હતા.
મહાત્મા ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રજીના નિકટ પરિચયમાં આવતા તેઓના ત્યાગવૈરાગ્યભર્યા જીવનને જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આથી જ પોતાના અનુભવની વાત આલેખતા જણાવે છે કે, ‘એ સમયે કવિશ્રીની ભાવના જુદી જ હતી. તેઓના તીવ્ર ઈચ્છા જીવનમુકત દશા પામવાની હતી. આથી જ આ વૈરાગ્યશીલ મહાત્માએ લૌકિક સિદ્ધિ આપનાર લોકસમુદાયનો સંપર્ક ટાળી દઈ અલૌકિક એવા એકાંત આત્મહિત સધાય એવી સાધનામાં પ્રવૃત થવાનું યોગ્ય માન્યું હતું.’
વૈરાગ્ય વિષે લખતાં શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે, ‘જીવને સંસારથી છુટવાની થયેલી પ્રાથમિક ઈચ્છા તે વૈરાગ્ય.’ જો સંસારનું સ્વ‚પ વિચારણામાં આવે તો જીવને તેમાંથી નિવૃત થવાનો વિચાર આવ્યા વિના ન રહે.
શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં પ્રબળ વૈરાગ્યધારા પ્રગટી હતી. તેથી જયારે તેઓના જીવનમાં સાંસારિક સમસ્યાઓ આવી ત્યારે આ વૈરાગ્યધારાથી ચલિત થયા ન હતા. આમ, ગૃહસ્થના આંગણે આત્મજાગૃતિપૂર્વક રહીને પણ વૈરાગ્યદશામાં સ્થિર રહી શકયા હતા.
વળી, શ્રીમદ્ રાજચંદ્રજીની વૈરાગ્યભરી ઝંખનાની, સંસારની ઉદાસીનતાની, સંસારની અસારતાની તીવ્ર કર્મોદયને પરિણામે કરવી પડતી સાંસારિક પ્રવૃતિથી ઉપજતા ખેદની અને સંસાર છોડી વન કે ગુફામાં ચાલ્યા જવાના તીવ્ર પરિણામોની વાતો શ્રી સોભાગભાઈ ઉપર લખાયેલા બોધપત્રમાં વિશેષ પ્રકારે જોવા મળે છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે, ‘વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. રાત્રી અને દિવસ પરમાર્થ વિષેનું મનન રહે છે.’
આવી અપૂર્વ વીતરાગતા પ્રગટવાથી મન કયાંય વિરામ પામતું ન હતું. વળી કોઈનો સમાગમ પણ ઈચ્છતું ન હતું. કારણકે શ્રીમદ રાજચંદ્રજી દઢતાપૂર્વક માનતા હતા કે લોકત્યાગ વગર વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. આમ, આવા વૈરાગ્યશીલ મહાત્માનું જીવન વીતરાગતાના રંગે રંગાતુ જતું હતું. સંસારથી સ્નેહ છુટી ગયો હતો. ગૃહસ્થાશ્રમમાં વિરકતભાવે વર્તી રહ્યા હતા. પરિણામે કોઈ અવધુત યોગીશ્ર્વર જેવું જીવન જીવતા જીવતા આત્મસ્મરણતામાં લીન રહેતા હતા.