- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ-વુડાને રકમ ફાળવાશે
- 75મીટર પહોળાઈના 66 કિ.મી. લાંબા રિંગ રોડના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈના 27 કિ.મી. રિંગ રોડ નિર્માણની દિશા ખૂલી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે 316.78 કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે.
Vadodara: મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગરોડ બનાવવાની જરૂરીયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત GUDMમાં કરી હતી. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાને રિંગરોડ નિર્માણ માટે આ 316.78 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
ત્યારે વડોદરા મહાનગરમાં આ રિંગરોડ સમગ્રતયા 66 કિ.મી. લાંબો અને 75 મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈ સાથેના 27.58 કિ.મી. લંબાઈના રિંગરોડ માટે મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે.આ રિંગરોડના પ્રથમ તબક્કા માટે નાણાં ફાળવણી થતાં હવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે. આના પરિણામે પૂર્વ વિસ્તારમાં 10.70 કિ.મી. અને પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિ.મી.નું કામ હાથ ધરાશે.
એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-8 પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે.પશ્ચિમ વિસ્તારમાં જે 16.84 કિ.મી.ના રિંગરોડનું નિર્માણ થશે તેના કારણે ટ્રાફિક ભારણ ઘટવા સાથે રિંગરોડ ફરતે અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે.