વડોદરાની આર.આર.ટ્રેડીંગ દ્વારા રૂા.૧.૦૬ કરોડના લોખંડના ટીએનટી સળીયા ઉધારમાં મગાવી પેમેન્ટ ન ચુકવ્યુ: ભાવનગરના વેપારી બાદ રાજકોટના વેપારીને ચુનો ચોપડયો
શહેરના ઢેબર રોડ પર આવેલી નાગરિક બેન્ક સામે આવેલી રમેશચંદ્ર એન્ડ કંપની અને ડી એન્ડ ડી માકેર્ટીંગ પેઢી પાસેથી વડોદરાની આર. આર.ટ્રેડીંગ પેઢીએ રૂા.૧.૦૬ કરોડના લોખંડના સળીયા ઉધારમાં મગાવી પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેર કાલાવડ રોડ પર આવેલા કૈલાશ કેવલમ ગ્રીન લેન્ડ સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર મક્કમ ચોક પાસે રમેશચંદ્ર એન્ડ કંપની અને ડી એન્ડ ડી માકેર્ટીગ નામની પેઢી ધરાવતા નૈનેશ રતિલાલ દાવડાએ વડોદરા કારેલી બાગ સામે ભવાની સોસાયટી રહેતા અને આર.આર. ટ્રેડીંગ કંપનીના માલિક રજનીકાંત ઉર્ફે રાજુભાઇ કાંતિલાલ શાહ અને તેના પુત્ર રૂષભ કાંતીલાલ શાહ સામે રૂા.૧.૦૬ કરોડની કિંમતના લોખંડના ટી એન્ડ ટી સળીયા મગાવી પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.રજનીકાંત શાહ અને તેના પુત્ર રૂષભ શાહે રમેશચંદ્ર એન્ડ કંપનીના સેલ્સમેન દિવ્યેશ હરીભાઇ કારીયાનો સંપર્ક કરી પોતાને લોખંડના સળીયાનો મોટો જથ્થો ખરીદ કરવાની લોભામણી લાલચ દઇ ઉધારમાં ખરીદનું જણાવ્યું હતું.
ઠગ પિતા-પુત્રની વાતમાં ફસાયેલા રમેશચંદ્ર એન્ડ કંપનીના સેલ્સમેન દિવ્યેસ કારીયાએ ગત નવેમ્બર ૨૦૧૭માં પેઢીના માલિક નૈનેશ દાવડાનું મુલાકાત કરાવ્યા બાદ વેપારી સંબંધ વિકસાવી પિતા-પુત્રે અલગ અલગ સમયે મોબાઇલ અને વોટસેઅપના માધ્યમથી વાત-ચીત કરી ભાવ નક્કી કર્યા બાદ ચાર વખત લોખંડના ટીએમટી સળીયા મગાવ્યા બાદ ચારેય ઓર્ડરનું પેમેન્ટ આરટીજીએસ મારફતે જમા કરાવી વિશ્ર્વાસ કેળવી પિતા-પુત્રએ જાન્યુઆરી ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૧૮ના બે માસના સમય દરમિયાન અલગ અલગ તારીકે ટીએમટી સળીયાનો ઓર્ડર આપી મગાવ્યા બાદ રૂા.૧.૦૬ કરોડનું બીલ ચુકતે ન કરી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે નૈનેશભાઇ દાવડાની ફરિયાદ પરથી વડોદરાના રજનીકાંત શાહ અને તેના પુત્ર રૂષભ શાહ સામે ઠગાઇ અને છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. રજનીકાંત શાહ અને તેના પુત્ર રૂષભ શાહ સામે ભાવનગર પંથકના વેપારીઓ સાથે પણ આ રીતે જ છેતરપિંડી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.