વધુ ૪૫ નાના ધંધાર્થીઓને યોજનાનો મળ્યો લાભ
વિશ્વવ્યાપી કોરોના માહામારીની આ આપદામાં ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકડાઉનના આશરે ત્રણેક માસ સુધી મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ રહ્યા. આ સંજોગોમાં દહાડી મજૂરી કરતા, નાના વ્યવસાયકારો અને કારીગર વર્ગને ભારે આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારે અનેક પગલાં ભર્યા. તેમ પણ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે. રાજ્ય સરકાર અને સહકાર વિભાગના માધ્યમથી અમલી બનેલી આ યોજના અંગે વાત કરે છે ભારત કો-ઓપરેટિવ બેન્કના જનરલ મેનેજર રજનીકાંતભાઈ બહ્મભટ્ટ. રજનીભાઈ કહે છે કે, સહકારી બેન્કો અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર સરકાર અને સહકારી વિભાગ એમ બન્ને વિભાગોના સયુંક્ત પ્રયાસોથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ અને ૨ ઘડી કાઢવામાં આવી. આ યોજનામાં ખૂબ સારી જોગવાઈઓના પગલે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. આજ સુધીમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ ૪૧ લાભાર્થીઓની રૂા. ૪૧ લાખની લોન મંજૂર કરવામાં આવી છે. અને યોજના-૨ હેઠળ ચાર લાભાર્થીઓની રૂા.૧૦ લાખની લોન મંજૂર કરવામાં આવી છે.
આત્મનિર્ભર ગુજરાત યોજનાની સારી જોગવાઈઓના પગલે આ યોજનાનો લાભ મેળવવા માટે ઘસારો જોવા મળે છે. પરંતુ અમારી બેન્કના અધિકારી-કર્મચારી અને પદાધિકારી દ્વારા જરિયાતમંદ લોકોને જ લાભ તળે તેની વિશેષ કાળજી લેવામાં આવે છે. રૂા.૧ લાખની લોન માત્ર બે ટકાના વ્યાજદરે, તેમા પણ છ માસ સુધી લોનના હપ્તા ભરવામાં છૂટછાટ મળે છે. જેથી લોકડાઉન દરમિયાન દૈનિક રોજગારી મેળવનાર લોકો-કુંટુંબોને ખૂબ નાણાંભીડનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ લોકડાઉન ખૂલ્યા બાદ ફરી ધંધા-વ્યવસાય કેવી રીતે શરૂ કરવો? અને રોજગારી મેળવવી એક સમસ્યા બની ગઈ હતી.
રજનીભાઈ આગળ વાત કરતા કહે છે કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાથી લોકોને પુન: રોજગારી મેળવવા અને પોતાના ધંધા-વ્યવસાયને પૂર્વવત કરવામાં ખૂબ મોટી મદદ મળશે. અહિંયા જ્યારે યોજનાના લાભાર્થીને લોન પેટે રૂા.૧ લાખનો ચેક આપીએ ત્યારે તેમના ચહેરા પર હર્ષ-આનંદની લાગણી સાથે એક નવી આશા અને આત્મવિશ્વાસ જોવા મળે છે, તેમ બહ્મભટ્ટે જણાવ્યું હતુ.