પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વધુ બે જિલ્લાના સંગઠન માળખાને વિસર્જીત કરી દેવામાં આવ્યું છે. વડોદરા અને ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષે વ્યક્તિગત કારણોસર પ્રમુખપદેથી રાજીનામું આપતા બંને જિલ્લાના સંગઠન માળખાને વિખેરી નાખવામાં આવ્યું છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે માત્ર થોડી જ ક્ષણોમાં વડોદરા અને ખેડાના નવા જીલ્લા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.
વિધાનસભાની ગત ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે ભાજપના અનેક જિલ્લા પ્રમુખ સહિતના સંગઠનના હોદ્ેદારોએ પક્ષમાં રહીને પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવવા માટેના પ્રયાસો કર્યા હતાં. જેના પર હવે હાઇકમાન્ડની ગાજ ઉતરી રહી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે વડોદરા અને ખેડાના નવા જીલ્લા પ્રમુખોની નિમણુંક કરીને કહી શકાય કે જડબાતોડ જવાબ આપ્યો છે. વડોદરામાં સતીષ પટેલ (નિશાળીયા)ની નિમણુક કરવામાં આવી છે અને ખેડામાં અજય બ્રહ્મભટ્ટની નિમણુક કરવામાં આવી છે.
ગત મહિને બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખે રાજીનામા આપતા આ બંને જિલ્લાનું સંગઠન માળખાને વિસર્જીત કરી દેવામાં આવ્યા હતાં. દરમિયાન આજે વડોદરા અને ખેડા જિલ્લાના પ્રમુખોએ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકુળતા દર્શાવતા સ્વૈચ્છીક રાજીનામા આપ્યા હતા. જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને બંને જિલ્લાના સંગઠન માળખાને વિસર્જીત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજ સાંજ સુધીમાં બંને જિલ્લાના નવા પ્રમુખના નામ જાહેર કરી દેવાશે.