બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અને વડોદરાના રાજમાતા શુંભાગિની દેવીના હસ્તે સયાજી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 4 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં અમિતાભ બચ્ચનનું સંસ્કારનગરીએ સન્માન કર્યું હતું. આ પહેલા આજે બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં તેમના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. બીગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. જ્યાંથી તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ તેઓએ ભોજન લીધુ હતું.
બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં 2013માં સયાજી રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. 2013માં પ્રથમવાર નારાયણ મૂર્તિને, 2015માં રતન ટાટા ને અને હવે 2018માં સયાજી રત્ન એવોર્ડ આજે અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવલખી ગ્રાઉન્ડમાં અને બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.