- વડોદરા: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળકની ટાઈ હિંચકાના હૂકમાં ફસાતા મો*ત
માતા-પિતા માટે અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષના બાળકની ટાઈ હૂકમાં ફસાતા મો*ત નીપજ્યું છે. આ ઘટના વડોદરાના નવાપુરા વિસ્તારની છે, જ્યાં હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મો*ત નીપજ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લક્કડપીઠા રોડ ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમ પટેલ શાકભાજીનો વેપાર કરે છે. તેમનો 10 વર્ષનો દીકરો રચિત ધો.5 માં અભ્યાસ કરે છે. ગઇકાલે એક પ્રાઇવેટ ફંક્શનમાં તેઓ ગયા હતા. તેમના દીકરાએ ટાઇ પણ પહેરી હતી. રાતે ઘરે પરત આવ્યા પછી રચિત ઘરની બહાર ફિટ કરેલા હીંચકા પર તે રમતો હતો. થોડીવાર પછી તેના પિતા ઘરની બહાર જોવા નીકળ્યા ત્યારે તેમનો પુત્રને ટાઇથી ફાંસો લાગી ગયો હતો. તેમણે તરત જ પુત્રને નીચે ઉતાર્યો હતો અને માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ, અત્યંત ટૂંકી સારવાર દરમિયાન તેનું મો*ત થયું હતું. એકના એક દીકરાના મોતના પગલે માતા – પિતા ફસડાઇ પડયા હતા. બનાવ અંગે નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, બાળકને મલખંભ, પુલ અપ્સ જેવી દેશી કસરતનો શોખ હતો. હીંચકા ઝૂલતા સમયે ગળામાં પહેરેલી ટાઇ હીંચકાના રોડમાં વીંટળાઇ જતા તેને ફાંસો લાગી ગયો હશે. ધરમભાઇને વર્ષો પછી સંતાન થયું હતું. તે સંતાનના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડયું હતું.
મળતી માહિતી અનુસાર, પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો હતો અને બાળક હીંચકા પર રમતો હતો. તે દરમિયાન ટાઈ હિંચકાના હુંકમાં ફાસાતા ગળે ટૂંપો આવી જતા બાળકનું મોત થયું હતું. કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા મો*ત નીપજ્યું હતું. એકના એક પુત્રનું અકાળે મો*ત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે.
પોલીસે હાથ ધર્યું ચેકિંગ
વડોદરાના ડભોઈમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. શિનોર ચાર રસ્તા, વેગા, કરનેટ, ગોપાલપુરા, નાંદોદી ભાગોળ સહિતના વિસ્તારમાં પોલીસ ચેકિંગ કર્યું હતું. ડ્રીંક એન્ડ ડ્રાઇવ, લાઇસન્સ, સહિત સીટબેલ્ટ બેલ્ટ, હેલ્મેટ અને ટ્રાફિક નિયમનું પાલન કરવા વાહન ચાલકોને સૂચના આપવામાં આવી અને કાયદો ભૂલનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
થોડા દિવસમાં પરિવાર ભાગવત કથાનું આયોજન કરવાના હતા
ધરમભાઇ પટેલ ધાર્મિક હતા. તેમણે આગામી સપ્તાહમાં ઘર નજીક ભાગવત કથા રાખી હોવાનું વિસ્તારમાંથી જાણવા મળ્યું છે. તેમનો પરિવાર સપ્તાહની તૈયારીમાં જ હતો. આ કથામાં તેઓ પુત્રને શંકર ભગવાનની વેશભૂષા પહેરાવવાના હતા. પરંતુ, કાળ તેમના એકના એક પુત્રને ભરખી ગયો હતો. તેઓને સંતાનમાં માત્ર એક પુત્ર જ હતો.
મારા એકના એક પુત્રના શરીર પર વાઢકાપ કરાવવી નથી
માત્ર 10 મિનિટના ગાળામાં જ માતા – પિતાનો લાડકવાયો પુત્ર છીનવાઇ ગયો હતો. માતા -પિતા પર દુખનો પહાડ તૂટી પડયો હતો. પોલીસે જ્યારે પી.એમ. કરાવવાની વાત કરી ત્યારે માતા – પિતાએ સૌ પ્રથમ તો ચોખ્ખી ના પાડી હતી કે, અમારા એકના એક પુત્રના શરીર પર વાઢ કાપ કરાવવી નથી. પરંતુ, પોલીસે તેઓને કાયદાકીય કાર્યવાહીની સમજ આપતા તેઓ તૈયાર થયા હતા.
વર્ષોની બાધા પછી સંતાનનો જન્મ થયો હતો
ધરમભાઇ ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે. તેઓનો મૂળ ધંધો લીંબુ વેચવાનો છે. વિસ્તારમાંથી એવી પણ વિગતો જાણવા મળી છે કે, ધરમભાઇને વર્ષોની બાધા પછી સંતાન થતા તેઓ માટે આ બનાવ અત્યંત આઘાત જનક છે. પરિવારનો કોઇપણ સભ્ય કશું કહેવાની પરિસ્થિતિમાં નથી. નાના બાળકોને એકલા રમતા મૂકતા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
ક્રિકેટર જસપ્રીત બૂમરાહની એક્શનથી બોલિંગ કરતો હતો
અશોક રાજે સ્કૂલમાં રચિત અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેને ક્રિકેટનો પણ ભારે શોખ હતો. રોજ તે પોલો ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા માટે જતો હતો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બૂમરાહનો તે ફેન હતો. તે ક્રિકેટ રમીને આવે ત્યારે ફળિયાના લોકો તેને બોલાવે ત્યારે બૂમરાહની જ વાતો કરતો હતો. તે બૂમરાહની એક્શનથી જ બોલિંગ કરતો હતો. અચાનક આવા બનાવથી તેના ફળિયાના લોકો પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે.
ડાકોરના સંઘમાં પણ રચિતે સેવા આપી હતી
ફળિયામાંથી તાજેતરમાં જ ડાકોરનો પગપાળા સંઘ ઉપડયો હતો. તે સંઘમાં પણ રચિતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વાસદ નજીક પદયાત્રીઓ માટે સેવાનો પડાવ પણ ફળિયાના લોકોએ રાખ્યો હતો. તે પડાવમાં રચિત પણ લીંબુના શરબતની સેવા આપતો હતો. રચિત દરેક એક્ટિવિટીમાં સામેલ થતો હોવાનું સ્થાનિક રહીશે જણાવ્યું હતું.