આઇઓસીએલના કોન્ટ્રાકટર પાસેથી રૂા.1.50 લાખની લાંચ સ્વીકારતા બંનેની ધરપકડ
અબતક,રાજકોટ
વાડીનાર આઇઓસીએલના કોન્ટ્રાકટર પાસેથી રૂા.1.50 લાખની લાંચ સ્વાકારતા મહિલા સરપંચ અને તેના પતિની રાજકોટના લીંબડા ચોકમાં એસીબી સ્ટાફે ઝડપી લીધા છે.
આ અંગેની એસીબીમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાડીનાર આઇઓસીએલની કમ્પાઉન બનાવવાનો કોન્ટ્રાકટ મંજુર થતા તેને કામ દરમિયાન અડચણ ઉભી ન કરવાના બદલામાં મહિલા સરપંચ હુસેનાબાનુ અબ્બાસ સંઘારના પતિ અબ્બાસ ઇબ્રાહીમ સંઘારે રૂા.4 લાખ રોકડા, ઘરવખરીનો સામાન અને ત્રણ મોબાઇલ અને બે આઇફોનની માગણી કરી હતી. તે પૈકી કોન્ટ્રાકટરે ત્રણ મોબાઇલ અને રૂા.50 હજાર રોકડા આપી દીધા હતા.
રૂા.3.50 લાખ અને બે આઇફોનની મહિલા સરપંચ હુસેનાબાનુ વતી તેના પતિ અબ્બાસ સંઘારે માગણી કરતા તેઓને રાજકોટ આવીને લઇ જવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાકટરે એસીબીમાં મહિલા સરપંચ હુસેનાબાનુ અને તેના પતિ ડોકટર અબ્બાસ સંઘાર સામે ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજા અને પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના સ્ટાફે લીંબડા ચોકમાં છટકુ ગોઠવી બંનેને રૂા.1.50 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે.