વાડીમાં દવા છાંટતી વેળાએ ડબલામાં પડેલી દવા પી જતા સર્જાઈ કરુણાંતિકા
વડીયા તાલુકાના રામપર તોરી ગામે ભૂલથી દવા પી જતા ખેડૂતનું મોત નિપજ્યું હતું. વાડીમાં દવાનો છંટકાવ કરતી વેળાએ ડબલામાં પડેલી દવા પી જતા આધેડનું મોત થયું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વડીયા તાલુકાના રામપર તોરી ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હરેશભાઈ સમજુભાઈ કોટડીયા નામના 45 વર્ષીય આધેડ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક વડીયા બાદ જેતપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ આધેડે સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે વડીયા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હરેશભાઈ બે ભાઈ એક બહેનમાં નાના હતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે વાડીએ દવા છાટતી વેળાએ પાણી પીવા જતા બાજુમાં રહેલા ડબલામાંથી ઝેરી પ્રવાહી પી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે.