સાવરકુંડલા પતિ સાથે મનદુ:ખ થતા રાજકોટ પિયર આવેલી બે સંતાનની માતાએ પ્રેમ સંબંધમાં આડખલી બનતા બાળકને વઢવાણ લઇ જઇ પ્રેમી મળી હત્યા કરી
વઢવાણ શ્રધ્ધા હોટલ પાછળ રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળીને નડતરરૂપ બનતા બે વર્ષના માસુમ પુત્રની હત્યા કર્યાનો બનાવ સીટી બી-ડીવીઝન પોલીસમાં નોંધાતા અરેરાટી સાથે ચકચાર ફેલાઇ છે.
રાજકોટની હુસેનાબેન હુસેનભાઈ વાઘેરના લગ્ન આઠ વર્ષ પહેલા સાવરકુંડલા ગામે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા સલીમભાઈ યુસુફભાઈ રફાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન હુસેનાબેને બે પુત્રો રેહાન અને આર્યનને જન્મ થયેલો હતો. ત્રણેક વર્ષના દાંપત્યજીવન બાદ પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતા હુસેનાબેન બન્ને પુત્રો સાથે પિયર રહેવા જતા રહ્યા હતા. પિયરમાં હુસેનાબેનની આંખ રાજકોટના જ જાકીર હુસેનભાઈ ફકીર સાથે મળી જતા દોઢ મહિના પહેલા બન્ને વઢવાણ શ્રધ્ધા હોટલ પાછળ ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. હુસેનાબેન બે વર્ષના આર્યનને સાથે લાવ્યા હતા. જ્યારે મોટો રેહાન રાજકોટ તેમના પિયરમાં રહેતો હતો. બુધવારે આર્યનની તબીયત બગડતા તે બેભાન થઈ ગયો હતો.
હુસેનાબેન તેને હોસ્પિટલ લઈ ગયેલી ત્યાંથી વધુસારવાર માટે રાજકોટ લઈ જવાયેલ જ્યાં તેનું મોત નિપજેલ હતું. હુસેનાબેનનાં ભાઈ નાજાભાઈએ મૃતક બાળક આર્યનના પિતા સલીમભાઈને જાણ કરીને અંતિમવિધિ માટે રાજકોટ બોલાવતા સલીમભાઈ રાજકોટ દોડી આવ્યા હતા. અને તેમણે આર્યનના શરીર ઉપર પીઠ, ચહેરા, પેટના ભાગે લાલ-કાળા ચકામા જોતા તેમને દિકરાનું મોત માર મારવાથી થયાની શંકા જતા તેમણે સિવીલ હોસ્પિટલમાં ડોક્ટર-પોલીસને જાણ કરતા આર્યનનું ફોરેન્સીક પી.એમ. કરાવવામાં આવેલ હતું!
જેમાં આર્યનનું મોત માર મારવાથી થયેલ ઈજાને કારણે થયાનો પ્રાથમીક અભિપ્રાય આવતા સલીમભાઈએ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસમાં હુસેનાબેન અને તેના પ્રેમી જાકીર સામે નડતરરૂપ બનતા પુત્રની હત્યા કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો 302,114 મુજબ પરિણીતા અને પ્રેમી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે. વઢવાણમાં આ બનાવથી અરેરાટી સાથે ફિટકારની લાગણી ફેલાવા પામેલ હતી.