વેબ સિરીઝ જોઈને નકલી નોટો છાપવાની પ્રેરણા લીધી
એસ.ઓ.જીની ટીમે 100 ના દરની નકલી નોટો,પ્રિન્ટર અને મોબાઈલ મળી કુલ રૂ.39 હજારનો મુદ્દામાલ કર્યો કબજે
કોઇ જાતની મહેનત કર્યા વગર પૈસાદાર થઇ જવા માટે લોકો અનેક પેતરા અજમાવીને ગુનાનો રસ્તો અપનાવી લેતા હોય છે. ત્યારે વેબ સીરીઝ જોઇને વઢવાણના યુવાને પોતાના ઘરે જ રૂ.100ની જાલી નોટો છાપવાની શરૂઆત કરી હતી. જેમાં અંદાજે રૂ.3 હજાર જેટલી નોટો વટાવી હતી.પરંતુ જોતાની સાથે જ નોટ ડુપ્લીકેટ હોય તેવી લાગતી હતી. આથી દુકાનદારોને પણ શંકા જતી હતી. જેથી થોડા જ દિવસોમાં યુવાનનુ પૈસાદાર બનવાનું સ્વપ્ન રોળાઇ ગયુ હતુ. અને પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.વઢવાણના આ શખ્સ પાસેથી રૂ.100ના દરની 134 જાલી નોટ મળી આવતા પોલિસે તે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
દેશના અર્થ તંત્રમાં નકલી નોટો ઘુસાડી નુકશાન પહોંચાડવાના કાવતરા થતા હોય છે.ત્યારે સુરેન્દ્રનગરમાં નકલી ભારતીય ચલણી નોટો ફરતી થઇ હોવાનુ અને તે જિલ્લામાંથી હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દુધાતે એસઓજી ટીમને આની તપાસ સોંપી હતી.આથી પીઆઇ એસ.એમ.જાડેજા અને ટીમે ખાનગી રાહે તપાસ કરીને દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે જુના વાલ્મીકી વાસ પાંજરાપોળ વાળી ગલી શિયાણી પોળ પાસે દરોડો કર્યો હતો.જ્યાં રહેણાંક મકાનમાંથી રૂ.100ની 134 નકલી ભારતીય ચલણી નોટ મળી આવી હતી.આથી વઢવાણ લીંબડી રોડ પર આવેલી શિવપાર્ક સોસાયટીનો રાહુલ રાજેશ વલોદર નામના શખ્સની ધરપકડ કરી છે.જ્યારે આ શખ્સ પોતે વેબ સીરીઝ જોઈને આ નોટ છાપવાનું અને થોડા સમયમાં પૈસાદાર બનવાનું વિચારી આ કાવતરું રચ્યું હતું.