રામભક્ત વીર અને યુવાનોના આદર્શ દેવ મનાતા બજરંગ બલી હનુમાનજીની જન્મજયંતિની ઠેરઠેર ધર્મોલ્લાસભેર ઉજવણી: પૂજન-અર્ચન, મહાઆરતી, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, લોકસંગીત અને ધૂન-ભજનની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાયા
સાળંગપુર હનુમાનજી, રાજકોટના બાલાજી હનુમાન, સાત હનુમાન, બડે બાલાજી, સુતા હનુમાન મંદિરે ભક્તોના ઘોડાપૂર: અનેરો શણગાર: શોભાયાત્રા નિકળી
જય બજરંગબલીનાં નાદ સાથે આજે વહેલી સવારથી જ રામભકત વીર ભગવાન હનુમાનજીની જન્મજયંતીની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાજતે ગાજતે વધામણા કરવામાં આવ્યા છે. અંજનીપૂત્રની જન્મજયંતીના શુભ અવસરે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધશર્મિક માહોલ છવાયો છે. અને હનુમાન મંદિરોમાં સવારથી જ પૂજન-અર્ચન મહાઆરતી, મા‚તી યજ્ઞ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં હનુમાનભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
રાજકોટના બાલાજી હનુમાન મંદિરે અને સાળંગપુરમાં હનુમાન મંદિરે આજે સવારથી જ શ્રધ્ધાળુઓના ઘોડાપુર ઉમટયા હતા શહેરના બાલાજી હનુમાન મંદિર, બડે બાલાજી, સુતા હનુમાન મંદિર સહિતના મંદિરો ઉપરાંત હનુમાનજીની દેરીઓમાં પણ મંડપ-શણગાર કરી જુદા જુદા કાર્યક્રમો યોજાયા છે. સૌરાષ્ટ્રમાં બપોરે અને સાંજે પવનપુત્ર હનુમાનજીનાં દરેક મંદિરે બટુક ભોજન પણ યોજાયું છે. રામભકત વીર હનુમાનજી યુવાનોના અદર્શ દેવ મનાતા હોય શેરી ગલીઓમાં નાના મોટા હનુમાન મંદિરોમાં યુવાનોએ આજના પાવનપર્વની રંગેચંગે ઉજવણી કરી છે.
આજે શહેરના મુખ્ય માર્ગો ઉપર આકર્ષક ફલોટસ સાથે શોભાયાત્રા નિકળી હતી ભૂલકાઓએ ખુદ હનુમાનજીનો વેશ ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતુ મંદિરોમાં આજે આખો દિવસ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો પૂજન-અર્ચન, મહાઆરતી, મા‚તીયજ્ઞ,મહાપ્રસાદ,શોભાયાત્રા લોકસંગીતના કાર્યક્રમો બટુકભોજન, ગરબા સહિતના આયોજન સાથે હનુમાન જયંતીના રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધર્મોલ્લાસભેર વધામણા કરાયા છે.
પાટડી ઉદાસી આશ્રમે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
દુખિયાના બેલી અને પાટડીના ઉદાસી આશ્રમના પરમપૂજય સંત શિરોમણી બ્રહ્મલીન શ્રી જગાબાપુની સમાધીના સાનિધ્યમાં ગાદીપતિ શ્રી ભાવેશ બાપુના આર્શિવચન સાથે હનુમાન જયંતિની ભકિતભાવ સભર ઉજવણી કરવામાં આવી હતી.
રાત્રે સંતવાણીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો મે‚ભાઈ રબારી (મોજીલો માલધારી), જયમંતભાઈ દવે (ભજનીક), ‚ષભભાઈ આહિર (મોજી રમકડુ), હરીભા ગઢવી (ભજનીક) શકિતદાન ગઢવી (ભજનીક) વાઘજીભાઈ રબારી (સાહિત્યકર), દડુભા (આશ્રમના કવિરાજશ્રી), શિવરાજભાઈ ગઢવી (ભજનીક) સુરજપાલ સોલંકી (ગઝલ) અને રમેશદાન ગઢવી (સંચાલન) ભાવીકોને ભકિતરસ પિરસશે જયાર સંગીતમાં રવિ પરમાર (બેન્જો માસ્ટર) રાજુભાઈ રાઠોડ (તબલચી) ભૂમી વાઘેલા (ઢોલકનું ધીંગાણું) અને વાઘુભા ઝાલા (મંજીરાના માણીગાર) ભાવિકોને કાનને ગમે તેવા સુમધુર સંગીતની સુરાવરી રેલાવશે ભાવિકો માટે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકો પાટડી આશ્રમે ઉમટી પડ્યા હતા.